Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

વાપીની હાઈટેક ઈન્કસ કંપનીમાં આગ : ડ્રમ ફાટ્યા - પાઈપલાઈનમાં ધડાકાઓ થયા

૩ કિ.મી. સુધી ધુમાડાના ગોટેગોટા : ફાયર ફાઈટરની ટીમે આગને કાબુમાં લીધી

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા)  વાપી તા. ૨૪ : વાપી જીઆઈડીસીમાં આવેલ હાઈટેક ઈન્કસ કંપનીમાં ગઈકાલે બપોરે કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.

વાપી જીઆઈડીસીના હન્ડ્રેડ શેડમાં આવેલ હાઈટેક ઈન્કસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં ગઈકાલે બપોરે કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં તો આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં નાસભાગ મચી જવા પામી હતી. કંપનીના સંચાલકો તેમજ કામદારો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. આગની જાણ થતા તુરત જ ફાયર ફાઈટરની ટીમો તેમજ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ વિકરાળ આગમાં રો મટીરીયલ સહિતની મશીનરી તેમજ માલને નુકશાન થવા પામ્યુ છે. કંપનીમાં રહેલ ડ્રમ આગના કારણે ધડાધડ ફાટવા લાગ્યા હતા. ગેસ પાઈપલાઈનમાં પણ ધડાકાઓ થતા ફફડાટ ફેલાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા કહેવાય છે કે ૩ કિ.મી. દૂર સુધી પણ નજરે પડ્યા હતા.

ફાયર ફાઈટર વિભાગની ટીમોની કલાકોની મહેનત બાદ માંડ માંડ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આ આગ કેમ લાગી અને આગમાં કેટલુ નુકશાન થયુ એ આંક હજુ જાણી શકાયુ નથી.

(1:11 pm IST)