Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

અરે વાહ... ગુજરાતની શાળાઓએ વગાડયો 'ડંકો' PGIમાં સુધારોઃ કેરળને પછાડયું: બન્યુ નંબર-ટુ

ગુજરાત અગાઉ ત્રીજા સ્થાને હતું: ક્રમાંકમાં ચંડીગઢ નંબર-૧

નવી દિલ્હી, તા.૨૪: ગુજરાતમાં શાળાઓના પર્ફોર્મન્સનું સ્તર સુધર્યું છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)દ્વારા હાલમાં જ જાહેર કરાયેલા પર્ફોર્મન્સ ગ્રાન્ડિંગ ઈન્ડેકસ (PGI)મુજબ ગુજરાત, કેરળ રાજયને પછાડીને બીજા ક્રમે પહોંચી ગયું છે. આ પહેલા ગુજરાત ત્રીજા સ્થાન પર હતું. રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય શાસિત પ્રદેશ ચંડીગઢે પોતાનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે.

જે બાદ ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર અને દિલ્હી છે. ગુજરાતમાં ઘણી બાબતોમાં સુધારો જોવા મળ્યો છે. આ સિવાય ગવર્નન્સ પ્રોસેસ અને ઈકિવટીમાં પણ ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કર્યો છે, તેમ રાજયના શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું.

'અમે શિક્ષણની ગુણવત્તા તેમજ આગામી મહિનાઓમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ મજબૂત બનાવવાનો પણ અમારો હેતુ છે', તેમ અધિકારીએ ઉમેર્યું.

આ સરવેમાં ૭૦ પરિમાણોને ધ્યાનમાં લેવાયા હતા, જેનો ઉપયોગ PGI ૨૦૧૭-૧૮ માટે કરવામાં આવ્યા હતા. રાજયોને ૧૦૦૦ સ્કેલ પર ચિન્હિત કરાયા હતા. જેમાંથી ચંડીગઢ, ગુજરાત અને કેરળે ૮૫૦ કરતા વધારે પોઈન્ટ મેળવ્યા હતા. સમરી રિપોર્ટ જાન્યુઆરીમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો જયારે વિગતવાર રિપોર્ટ એપ્રિલમાં જાહેર કરવામાં આવશે.

ગવર્નન્સ અને મેનેજમેન્ટને લગતા ક્ષેત્રમાં સૌથી વધારે સ્કોર ૨૭૯ ગુજરાતનો હતો. આ મેકિસમમ પોઈન્ટના ૭૮ ટકા હતા. ગવર્નન્સ અને મેનેજમેન્ટએ સૌથી વધારે મહત્વનું છે કારણ કે શિક્ષકોની ઉપસ્થિતિથી શિક્ષકો અને આચાર્યોની પારદર્શક ભરતી સુનિશ્ચિત કરવા માટેની મદદ મળે છે. રિપોર્ટમાં તેમ પણ કહેવાયું છે કે શિક્ષકો, આચાર્યો તેમજ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની અછત, નિયમિત દેખરેખ અને નિરીક્ષણનો અભાવ તેમજ શિક્ષકોની અપૂરતી તાલીમ શૈક્ષણિક સિસ્ટમને અસર કરે છે. બીજી મહત્વપૂર્ણ બાબત માળખાકીય સુવિધાઓ અને અન્ય સુવિધા છે, જે ઉપરના તમામ પરિબળોને માપે છે. જયારે માળખાકીય સુવિધાઓની વાત આવે છે ત્યારે ગુજરાતે માત્ર ૧૧૬ સ્કોર મેળવ્યા છે, જે ચંડીગઢ (૧૩૬) અને કેરળ (૧૨૩) કરતા ઓછો છે.

(10:25 am IST)