Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શાહીબાગ : સગી પુત્રીએ વૃદ્ધ માતાને માર મચેલ સનસનાટી

પુત્રએ ઓસ્ટ્રેલિયામાંથી પોલીસને જાણ કરી : મહિલા પોલીસે વૃદ્ધ મહિલાને બચાવી લીધી : એક તબક્કે પુત્રીએ પોલીસને માતાને મારી નાંખવા માટે આપેલ ધમકી

અમદાવાદ,તા. ૨૪ : અમદાવાદ શહેરના શાહીબાગ પાસેના એપાર્ટમેન્ટમાં પુત્રી દ્વારા પોતાની સગી જનેતાને બંધક બનાવી માર મારવાની હૃદયદ્રાવક ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે તેના ઓસ્ટ્રેલિયામાં રહેતા દીકરાને ચિંતા થવા લાગી અને અમદાવાદ પોલીસ પાસે મદદ માંગી હતી. પોલીસ કન્ટ્રોલરૂમમાં વિદેશથી આવેલા ફોન અંગે ગણતરી મિનિટમાં માધુપુરા પોલીસને જાણ કરવામાં આવી અને માધુપુરા પોલીસ સ્ટેશનની શી ટીમ અને ડીસ્ટાફના પોલીસ કર્મીઓએ સમયસૂચકતા દાખવી ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાનો જીવ બચાવી લીધો હતો. આ મામલે પોલીસ કન્ટ્રોલરૂમમાંથી માહિતી મળ્યા બાદ માધુપુરા પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ પીએસઆઇ અરવિંદ ચાવડાની સાથે શી ટીમમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓ પુષ્પાબહેન, અંજુબહેન, નિરૂબહેન, પાયલબહેન સહિતનો સ્ટાફ આ વૃદ્ધાને બચાવવા માટે તાત્કાલિક દોડી ગયો હતો.

        પોલીસની ટીમ જ્યારે બંધક બનાવેલી વૃદ્ધાને બચાવવા પહોંચી ત્યારે એપાર્ટમેન્ટનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી મહિલા પોલીસની ટીમે દરવાજો ખખડાવીને અંદરથી દરવાજો ખોલવા માટે જણાવ્યુ હતુ. પરંતુ પોલીસ હોવાની જાણ થતા અંદર રહેલી યુવતીએ પોલીસને ઘમકી આપી કે જો તમે અંદર આવશો તો તે વૃદ્ધાને ચાકુથી મારી નાંખશે.  યુવતીની આ ધમકીને કારણે પોલીસને ખાસ યુક્તિ અજમાવવાની ફરજ પડી હતી. જેથી આ યુવતીને અન્ય મહિલા પોલીસે તેની સાથે વાતોમાં વ્યસ્ત કરી દીધી હતી. બીજી તરફ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે ફાયરબ્રિગેડને જાણ કરીને એપાર્ટમેન્ટના પાછળના દરવાજા પર ફાયરબ્રિગેડની સીડી મુકીને પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસની ટીમે અંદર પહોંચી યુવતીને ઝડપી લીધી હતી. જ્યારે પોલીસે બંધક બનાવેલી વૃદ્ધાને બચાવી લીધી હતી. આ વૃદ્ધાનું વજન ખૂબ વધુ હોવાથી તેઓ સ્વબચાવ કરી શકે તેમ નહોતા. આખરે પોલીસે આ મામલે તપાસ કરતા યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાની જાણ થઇ હતી. જેના કારણે યુવતીને તાત્કાલિક માનસિક રોગની સારવાર માટે મોકલી આપી હતી. જ્યારે વૃદ્ધાને તેના અન્ય એક સ્વજનને ત્યાં મોકલી દીધા હતા. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:48 pm IST)