Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા એસ. આગ્રેની અધ્‍યક્ષતામાં જી.પી.એસ.સી. પરીક્ષા સંદર્ભે બેઠક યોજાઇ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં તા. ૨૬ મી ડિસેમ્‍બર, ૨૦૨૧ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત વહિવટી સેવા વગ વર્ગ-૧, ગુજરાત મુલ્‍કી સેવા વર્ગ-૧/૨ અને ગુજરાત નગર પાલીકા મુખ્‍ય અધિકારી સેવા વર્ગ-૨ ની યોજાનારી પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષપણા હેઠળ કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં સંબધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પરીક્ષાર્થીઓ શાંત અને નિર્ભિક વાતાવરણમાં પરીક્ષા આપી શકે, તેમજ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે આયોજન કર્યુ છે. પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્‍થ રીતે કરવાની સંબંધિત તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ પરીક્ષામાં ૪૪૮૫ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. જે અંતર્ગત પરીક્ષામાં પ્રથમ પેપરનો સમયગાળો સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૦૧:૦૦ કલાક અને બીજા પેપરનો સમયગાળો બપોરે ૦૩:૦૦ ક્‍લાકથી બપોરે ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્‍ય લાવવા કે લઈ જવા માટે, ઝોન કચેરી ખાતે, તેમજ પ્રત્‍યેક પરીક્ષા બિલ્‍ડીંગો પર સલામતી વ્‍યવસ્‍થા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંદોબસ્‍ત કરવામાં આવ્‍યો છે. પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલ તમામ અધિકારીઓ / કર્મચારીઓ, પરીક્ષાર્થીઓનું સામાજીક અંતર જળવાય તથા કોવિડ-૧૯ અંતર્ગત સરકારની સૂચનાઓનું ચુસ્‍તપણે પાલન કરવામાં આવશે તથા તમામ પરીક્ષાર્થીઓ અને સ્‍ટાફે માસ્‍ક ફરજીયાત પહેરવાનું રહેશે. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૩૦ - મિનિટ પહેલા પ્રવેશ લેવાનો રહેશે. ત્‍યારબાદ કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રવેશ સમયે પણ ૬ - ફૂટનું અંતર જાળવી પરીક્ષા બિલ્‍ડિંગ પરનો સ્‍ટાફ જે પ્રમાણે સૂચવે એ પ્રમાણે સૂચનાઓનું પાલન કરવું તથા સૂચના મુજબ જ પરીક્ષા સ્‍થળ છોડવાનું રહેશે. પરીક્ષા બિલ્‍ડિંગ, લોબી, વર્ગખંડમાં કે બિલ્‍ડિંગ બહાર પણ ટોળામાં ભેગા થઈ શકશે નહીં, આ તમામ આયોજન કરવામાં આવેલ છે જેનું યોગ્‍ય પાલન થાય એ માટે પરીક્ષાર્થી અને વાલીઓએ ખાસ નોંધ લેવા નાયબ કો-ઓર્ડીનેટર અને જિલ્લા શિક્ષણાાધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.
 કલેકટર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ સમગ્ર વિસ્‍તારમાં સરઘસ કાઢવાની તથા સભા ભરવાની, પરીક્ષા સમય દરમ્‍યાન સદર પરીક્ષા બિલ્‍ડીંગોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્‍યાના વિસ્‍તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, બિનઅધિકૃત વ્‍યક્‍તિઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્‍દ્રમાં પ્રવેશ કરતાં અટકાવવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્‍ટ્રોનિક, ડીજીટલ કે સ્‍માર્ટ ઉપકરણો અને બિનઅધિકૃત સાહત્‍યિનો ઉપયોગ ન કરવા માટેનું જાહેરનામું લાગુ કરવામાં આવ્‍યું છે.
 આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે. એફ. વસાવા, જિલ્લા તિજોરી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓ, પરીક્ષાના ઝોનલ અધિકારીઓ, આયોગના પ્રતિનિધિઓ, અને સુપરવાઇઝરો તથા સ્‍કૂલોના સંચાલકો હાજર રહયા હતા.

(6:56 pm IST)