Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સરકારી સહાય મેળવતી મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટામાં આપતા પ્રવેશ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

એડમિશન કમિટિ દ્વારા 677 સીટ ગેરકાયદેસર રીતે મેનેજમેન્ટ ક્વોટા અને તેમાં સામેલ NRIને ફાળવી દેવામાં આવી હોવાનો આક્ષેપ

અમદાવાદ : રાજ્યની સરકારી સહાય મેળવતી મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટામાં આપતા પ્રવેશ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે,ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલ PILમાં આક્ષેપ કરાયો છે કે એડમિશન કમિટીએ સરકારી સહાય મેળવતી મેડિકલ કોલેજના MBBS કોર્સમાં 677 સીટ મેનેજમેન્ટ ક્વોટાને ફાળવી દીધી છે.

અરજદાર કે.આર. કોષ્ટિ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે સરકારી સહાય મેળવતી મેડિકલ કોલેજોમાં ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજ ઓર ઇન્સ્ટીટીયુટ એકટ 2007નું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. PILમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારી સહાય મેળવતી કોલેજોમાં તમામ સીટને ગર્વમેન્ટ સીટ માનવામાં આવી જોઈએ. એડમિશન કમિટિ દ્વારા 677 સીટ ગેરકાયદેસર રીતે મેનેજમેન્ટ ક્વોટા અને તેમાં સામેલ NRIને ફાળવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

PILમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 6 સરકારી મેડિકલ કોલેજ, 8 GMERS, 3 મ્યુનિસિપલ કોર્પોરેશન, અને 8 સરકારી સહાય મેળવતી કોલેજનો સમાવેશ થાય છે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે એડમિશન કમિટીએ ભૂલથી અથવા જાણી જોઈને કાયદાથી વિપરીત જઈને મેનેજમેન્ટ ક્વોટા અને તેનામાં સામેલ NRIમાં 677 સીટ ફાળવી દેવામાં આવી છે. આ પ્રકારની મેનેજમેન્ટ સીટ પર મોટી ફી વસુલાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સીટોની આવી ફાળવીથી દરેક વર્ગના વિધાર્થીઓને સીટનો નુકસાન થતો હોવાનો આક્ષેઓ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી PILમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નોન ક્રીમીલેયર સર્ટિફિકેટના આધારે કેટલાક વિધાર્થીઓ SEBC અથવા EWS ક્વોટા હેઠળ એપ્લાય કર્યું હોય તેવા ઉમેદવારો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ક્યાં જ્યાં ફી ખૂબ વધારે હોય છે ત્યાં પ્રવેશ લેતા હોય છે. જોકે આ બાબતોનું અરજદારે વેરિફિકેશન ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી હતી.

(8:26 pm IST)