Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમદાવાદ મનપાએ યુઝર ચાર્જ નામે 200 કરોડનો વેરો ઉઘરાવ્યો :હવે કચરાના નિકાલની જવાબદારી નાગરિકોના માથે થોપી : વિપક્ષના પ્રહાર

પહેલાં યુઝર ચાર્જ પાછો ખેંચવામાં આવે પછી 50 કિલોથી વધુ કચરો પેદા કરતા એકમોને નોટિસ આપજો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ 50 કિ.ગ્રા.થી વધારે કચરો ઉતપન્ન કરતા કોમર્શિયલ એકમો, ક્લબો, હોસ્પિટલ, મોટી ટાઉનશીપ, હોટલો, રેસ્ટોરન્ટોએ તેઓનાં પરિસરમાં ઉત્તપન્ન થતા કચરાને ઉત્પતિ સ્થળે જ પ્રોસેસિંગ અને રિસાયકલીગ કરવાની AMCની જાહેર નોટીસનો વિરોધ કર્યો છે.

 આ અંગે વધુમાં તેઓએ જણાવ્યું છે કે, AMCએ બે વર્ષમાં યુઝર ચાર્જના નામે નાગરિકો પાસે 200 કરોડનો વેરો ઉઘરાવ્યો છે, હવે નાગરિકોના માથે કચરાના નિકાલની જવાબદારી થોપી રહ્યાં છે જેનો અમે વિરોધ કરીએ છીએ. મ્યુનિ.કમિશનર દ્વારા પહેલાં યુઝર ચાર્જ પાછો ખેંચવામાં આવે પછી 50 કિલોથી વધુ કચરો પેદા કરતા એકમોને નોટિસ આપો એવી માંગ કરાઈ છે.

 સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલુ વર્ષમાં યોજાનાર સ્વચ્છ સર્વેક્ષણ-2021માં શહેરોમાં ઉત્તપન્ન થતા કચરાને રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ કરવા પર ભાર મુકવામાં આવેલ છે. શહેરને 5 સ્ટાર સીટી બનવા માટે ગારબેઝ ફ્રી સીટી પ્રોટોકોલનાં Component E1 મુજબ 50 કિ.ગ્રાથી વધારે કચરો ઉતપન્ન કરતા હોય તેવા એકમોને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે તેઓનાં કચરાને ઉત્પતિ સ્થળે જ પ્રોસેસિંગ કરતા હોવું આવશ્યક કરાયું છે પણ વાસ્તવિકતા એ છે કે, ખુદ ડોર ટુ ડોર પ્રોજેક્ટમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખતી નથી. આજદીન સુધી ઘરે ઘરે બે ડસ્ટબીન અપાઈ નથી. કચરો એકત્ર કરવા માટે કોઈ વ્યવસ્થા નથી પણ નાગરિકોના માથે જવાબદારી થોપવામાં આવી રહી છે.

50 કિ.ગ્રા.થી વધારે કચરો ઉત્તપન્ન કરતા હોય તેવા એકમોને બલ્ક વેસ્ટ જનરેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે. 50 કિ.ગ્રા.થી વધારે કચરો ઉત્તપન્ન કરતા એકમોને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે માન્ય કરવા માટે આ જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે મુજબ 50 કિ. ગ્રા. થી વધારે કચરો ઉતપન્ન કરતા કોમર્શિયલ એકમો, ક્લબો, હોસ્પિટલ, મોટી ટાઉનશીપ, હોટલો, રેસ્ટોરન્ટોએ તેઓનાં પરિસરમાં ઉત્તપન્ન થતા કચરાને ઉત્પતિ સ્થળે જ પ્રોસેસિંગ – રિસાયકલીગ કરવાનો રહેશે પણ આ પહેલા 2018થી જે યુઝર ચાર્જના નામે કરોડોનો બોજ નંખાયો છે તે તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તે અંગે કમિશનરને પત્ર લખી રજુઆત કરવામાં આવશે. જરૂર પડશે તો આવેદન પત્ર પણ આપવામાં આવશે.

(6:39 pm IST)