Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સુરતના બિલીમોરોના કૃતિ ધારૈયાની સિદ્ધિઃ કોડિંગ બેટલમાં 70097 મહિલા ટેક્‍નોલોજીસ્‍ટને હરાવીને વિજેતા બનીને ગ્રીક ગોડેસનું બિરૂદ મેળવ્‍યુ

સુરત: બિલીમોરા જેવા નાના શહેરની માત્ર ૨૧ વર્ષની કૃતિએ એ વાત સાર્થક કરી બતાવી છે કે પ્રતિભા કેળવવા માટે માટે ગામ કે શહેર જવાબદાર નથી. જરૂર છે માત્ર વિશ્વાસ અને સખત મહેનતની, જે કૃતિમાં ભરપૂર છે. જેને કારણે તેણે રાષ્ટ્રીય સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે. તેણે ૭૦,૦૯૭ મહિલા કોડરને હરાવીને ગીક ગોડેસનું બિરુદ મેળવ્યું છે.

રાષ્ટ્રીય સંસ્થાન ટેકનોલોજી (એનઆઈટી) ની પૂર્વ વિદ્યાર્થી કૃતિ ધારૈયાએ કોડિંગ બેટલમાં ૭૦,૦૯૭ મહિલા ટેકનોલોજીસ્ટને હરાવી વિજેતા બનાવી ગીક ગોડેસનું બિરુદ મેળવ્યું છે. ટેકગિગ ગિક ગોડેસ એ મહિલા ટેકનોલોજિસ્ટ્સ માટેની વાર્ષિક કોડિંગ સ્પર્ધા છે. પ્રતિસ્પર્ધીઓને તેમની પ્રોગ્રામિંગ કુશળતા પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉપરાંત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ઇવેન્ટ ટેકગિગ કોડ ગ્લેડીયેટર્સ ૨૦૨૦ માં તેણે કોડ દિવાનું બિરુદ મેળવ્યું છે. કૃતિ બિલીમોરાની વતની છે અને તેણે એસવીએનઆઇટીમાંથી ૮૦ % સાથે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બી.ટેક કર્યું છે. હાલમાં બેંગલુરુમાં એમેઝોન સાથે કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૬ માં કોન્સ્પેચ્યુઅલ કરવામાં આવેલી આ કોડ સ્પર્ધા વર્ચુઅલ કેરિયર ફેર અને ૪-૫ ડિસેમ્બરે ગ્રાન્ડ ફિનાલે સાથે પૂરી થઈ છે. મહત્વની વાત એ છે કે, સ્પર્ધાત્મક કોડિંગની આ સ્પર્ધામાં સો બસો નહિ, પરંતુ ભારતની ૭૦,૦૯૭ મહિલાઓએ ભાગ લીધો હતો. જે તમામને માત આપીને માત્ર ૨૧ વર્ષની કૃતિએ આ ખિતાબ મેળવ્યો છે.

કૃતિ ધારૈયાએ કહ્યું કે, મને સ્પર્ધાત્મક કોડિંગ પસંદ છે અને મેં આ સ્પર્ધામાં ભાગ લીધો કારણ કે પ્રતિસ્પર્ધી સાથીદારો સાથેના નેટવર્કમાં સહેલાઇથી મદદ કરે છે અને તમને ટોચની ભરતી કરનારાઓથી વાકેફ પણ કરાવે છે. તેણે વધુમાં કહ્યું હતું કે, મને ૧૧ અને ૧૨માં ધોરણમાં કમ્પ્યુટર સાયન્સનો વિષય ખૂબ જ ગમતો હતો. જોકે તે સમયે વધારે ખ્યાલ ન હતો. પરંતુ બી.ટેક કરતા સમયે યુનિવર્સિટીના અલગ અલગ કલબના સિનિયરો અને મિત્રોને કારણે સ્પર્ધાત્મક કોડિંગ વિશે સાંભળ્યું અને ત્યાર પછી ગૂગલ ઉપર સર્ચ કરીને પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આ સ્પર્ધામાં ભાગ લીધો અને ચાર કલાક ચાલેલી આ સ્પર્ધામાં બે રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વ કરીને જીત મેળવી છે.

(5:03 pm IST)