Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનનાં રર મૃતક ખેડૂતોને ગ્રામ્યકક્ષાએ શ્રધ્ધાંજલી અર્પણ

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આગેવાનીમાં કાલે કૃષિ કાયદાની તાલુકા કક્ષાએ હોળી

રાજકોટ તા. ર૩ :.. કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદાનો દિલ્હીમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના સમર્થનમાં કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આગેવાનીમાં આજે ગ્રામ્ય કક્ષાએ સ્થાનીક મંદિરોમાં અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ રર ખેડૂતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી.

જયારે કાલે ગુરૂવારે ભાજપ સરકારે પસાર કરેલ ખેડૂત વિરોધી ૩ કાયદાની તાલુકા કક્ષાએ હોળી કરવામાં આવશે.કૃષિ કાયદા રદ કરવાની માગણી સાથે દિલ્હીમાં ખેડૂતો આંદોલન ચલાવી  રહ્યા છે. મંગળવારે દિલ્હી જયપુર નેશનલ હાઇવે પર ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ખેડૂતો સામેલ થયા હતાં. ખેડૂતોની મળેલી મીટીંગમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનું નકકી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી વધુ ૩૦ જેટલા ખેડૂતો મંગળવારે ટ્રેન મારફત દિલ્હી જવા રવાના થયા હતાં.

આ ખેડૂતોમાં અમદાવાદ, મોડાસા, અરવલ્લીના ખડૂતો સામેલ છે. દિલ્હીમાં પણ ઉપવાસ આંદોલન થશે. ગુજરાતના ખેડૂતોનું એક જૂથ સિંધુ બોર્ડર પર અડીંગો જમાવીને બેઠું છે, જેઓ ટ્રેકટરને જ ઘર બનાવી પડાવ નાખ્યો છે.કડકડતી ઠંડીમાં ધીમે ધીમે આંદોલન વધુ ઉગ્ર બનાવવા ગતિવિધી તેજ થઇ છે. ગુજરાતમાં પોલીસની કનડગત વચ્ચે પણ ખેડૂતોને દિલ્હી મોકલવા પ્રયાસો તેજ થયા છે તેમ ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે. પોલીસ પરવાનગી આપતી ન હોવાથી ગુજરાતના ખેડૂતોને ઘરમાં જ રહીને ઉપવાસ કરવા પણ અપીલ કરાઇ છે.

(3:46 pm IST)