Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સાબરકાંઠામાં ડ્રોન કેમેરાની ઝપટે આવતા પાંચ ટ્રેકટર રેતીની ખનીજચોરી ઝડપાઇ:35 લાખનો મુદ્દામાલ જપ્ત

જિલ્લા ખાણ ખનીજ વિભાગ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી દેરોલ તથા સવગઢ વિસ્તારમાં ચેકીંગ

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીપટ વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં ખનીજ ચોરીની મળતી ફરિયાદો અન્વયે જિલ્લા ખાણ ખનીજ વિભાગ તંત્ર દ્વારા  ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી દેરોલ તથા સવગઢ વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું. જેમાં દેરોલ ખાતેથી બિનઅધિકૃત રીતે રેતી ખનીજ વહન કરતા પાંચ ટ્રેકટરો ઝડપાતા તંત્ર દ્વારા રૂ.૩૫ લાખનો મુદા્માલ જપ્ત કરીને દંડનીય કાર્યવાહી શરૂ કરાઇ છે. ખાણ ખનીજ વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીપટ વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદ આધારે જિલ્લા ભુસ્તરશાસ્ત્રી સુભાષભાઇ જોષીની સુચના અને માર્ગદર્શન અન્વયે ખાણ ખનિજ વિભાગની ટીમો દ્વારા આકસ્મિક ચેકીંગની કામગીરી કરી ખનિજ ચોરી કરનારા ઇસમોને પકડી દંડનીય રકમ વસૂલવાની કાર્યવાહી કરાઇ રહી છે તેમ છતાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂપાઇને ખનિજ ચોરી કરનારા ખનિજ માફીયાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના પગલે મંગળવારે જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા હિંમતનગરના દેરોલ તથા સવગઢ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો.

જેમાં દેરોલ ખાતે બિનઅધિકૃત રીતે રેતી વહન કરતા પાંચ ટ્રેકટરો ડ્રોન કેમેરાની ઝપટે ચડતા તંત્ર દ્વારા અંદાજે રૂા.૩૫ લાખનો મુદા્માલ જપ્ત કરાયો છે. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા ટ્રેકટરો માલિક વિરૂધ્ધ અંદાજે રૂા.૨.૨૫ લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.ફલાઇંગ સ્કવોર્ડની કામગીરી અંતર્ગત અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રમોસ ગામે બિનઅધિકૃત રીતે સાદી માટી ખનિજનું વહન કરતા એક હીટાચી મશીન તથા બે ડમ્પર જપ્ત કરીને સ્કવોર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ ઝૂંબેશ દરમિયાન જિલ્લામાં છેલ્લા ત્રણ માસ દરમિયાન ખનિજ ચોરીના ૧૦૧ કેસો પકડીને રૂા.૧૪૪.૯૯ લાખની દંડનીય રકમ વસૂલાઇ છે. આગામી સમયમાં સાબરમતી નદીપટના વાઘપુર, સીતવાડા, સાંપડ, જોરાપુરા, સરોલી, દેરોલ અને દેધરોટા વિસ્તારમાં પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ખનિજ માફીયાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીના નિર્દેશો તંત્ર દ્વારા અપાયા છે.

(12:11 pm IST)