Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

વિદેશથી કાળા નાણાને પાછા લાવવા વધુ પ્રયાસો જરૂરી છે

આઇસીએઆઇ મેગા સમિટમાં સ્વામીનું વકતવ્યઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હિન્દુ હોવાનો ખોટો દાવો કરી રહ્યા છે : ડો.સ્વામીના રાહુલ અને કોંગ્રેસ પર પણ પ્રહારો

અમદાવાદ, તા.૨૩, દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ડો.સુબ્રમણ્યન સ્વામી આજે ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ)ની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બાંચ દ્વારા શહેરમાં સરદાર પટેલ મેમોરિયલ, યુનિવર્સિટી કન્વેન્શન હોલ, હેલ્મેટ સર્કલ ખાતે યોજાયેલી મેગા સમીટને લઇ ખાસ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ડો.સ્વામીએ આઇસીએઆઇની મેગાસમીટમાં ભારતીય અર્થતંત્ર અને તેના પડકારો વિષય પર ખાસ પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં ભારત દેશમાંથી પર્સનલ ઇન્કમટેક્સ નાબૂદ થવો જોઇએ એ સમયની માંગ છે અને તેના કારણે દેશના આર્થિક વિકાસમાં વૃધ્ધિમાં બળ મળશે. સાથે સાથે તેમણે વિદેશમાંથી કાળુ નાણું પાછું લાવવા મામલે કેન્દ્ર સરકારને હજુ વધુ અસરકારક પ્રયાસો કરવા પણ અનુરોધ કર્યો હતો. દરમ્યાન ડો.સુબ્રમણ્યન સ્વામીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હિન્દુ હોવાનો ખોટો દાવો કરી રહ્યા છે. રાહુલ ગાંધી સાચા હિન્દુ હોય તો જાહેરમાં કેમ નથી કહેતા. આઇસીએઆઇની બી ધ ચેન્જ વિષય પર બે દિવસીય મેગા સમીટમાં દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને રાજયસભા સાંસદ ડો.સુબ્રમણ્યન સ્વામીએ ભારતીય અર્થતંત્ર, તેના પડકારો અને આગળના રસ્તા વિષય પર મુખ્ય પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં દેશમાં આપણે ઇનોવેશન એટલે કે, સંશોધન અને રિસર્ચ પર પણ એટલો જ ભાર મૂકવો પડશે અને તે દિશામાં વધુ પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવા પડશે. તો, ભારત એ કૃષિપ્રધાન દેશ છે અને તેથી કૃષિ પરત્વે આપણે વધુ સજાગ અને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિલક્ષી નીતિઓના કારણે આપણે દેશના વિકાસને વધુ ઝડપથી આગળ ધપાવી શકીશું અને આર્થિક ઉન્નતિના શિખરો પામી શકીશું. નોટબંધી અને જીએસટીને લઇ લાંબા ગાળે હકારાત્મક પરિણામો મળવાની તેમણે આશા વ્યકત કરી હતી. તેમણે દેશના જીડીપી ગ્રોથને લઇ છાશવારે પ્રસિધ્ધ થતાં રિપોર્ટસમાં સંપૂર્ણ વિશ્વાસ નહી મૂકવા પણ અનુરોધ કર્યો હતો કારણ કે, તે સંપૂર્ણ સત્યતા અને ખરાઇ પર આધારિત હોતા નથી. દરમ્યાન આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ ચિંતન પટેલે જણાવ્યું હતુ કે,દેશના પ્રખર અર્થશાસ્ત્રી ડો.સુબ્રમણ્યન સ્વામી દેશમાં હાલ પ્રવર્તમાન અર્થતંત્રની સ્થિતિ, તેની સામેના પડકારો અને હવે આગળના શું વિકલ્પો અને અર્થતંત્રને વધુ સુદ્રઢ કેવી રીતે બનાવી શકાય તે સહિતના તમામ મુદ્દાઓ અને પાસાઓને આવરી લેતા આપેલા ખાસ પ્રવચનથી સીએ ફેકલ્ટી ખાસ્સી પ્રોત્સાહિત થઇ છે. ડો.સ્વામીનું આ વિશેષ પ્રવચન દેશભરમાંથી આવેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે. અમદાવાદ બ્રાંચ દ્વારા વર્ષે એક નવી માહિતી અને જ્ઞાનસભર સેમીનાર સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેકલ્ટીને સમૃધ્ધ અને માર્ગદર્શિત કરવાના ઉમદા આશયથી બી ધ ચેન્જ વિષય પરની આ મેગા સમીટનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં દેશભરમાંથી ૧૧૦૦ થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે ભાગ લીધો હતો.

(9:33 pm IST)