Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

રાજયના તમામ બાર એસો.ની ચૂંટણીના પરિણામો જાહેર

પરિણામો જાહેર થયા બાદ કહીં ખુશી, કહીં ગમઃ અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હરીશ ભવાનીવાલા, ભરત શાહ સેક્રટરી નિમાયા

અમદાવાદ, તા.૨૨, ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયના ૨૫૩ જેટલા વિવિધ બાર એસોસીએશનો(વકીલમંડળો)ની ચૂંટણી ગઇકાલે અત્યંત રસાકસી અને ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે સંપન્ન થઇ હતી. વકીલોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેના પરિણામો મોડી રાત્રે જાહેર થયા હતા. રાજયના સૌથી મોટા એવા અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે હરીશ ભવાનીવાલા અને સેક્રેટરી તરીકે ભરત એચ.શાહ ચૂંટાઇ આવ્યા હતા. તો, અમદાવાદ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે પરેશ જાની ચૂંટાઇ આવ્યા છે, તો સેક્રેટરી તરીકે સિનિયર એડવોકેટ વિનોદ ડી.ગજજર બિનહરીફ ચૂંટાયા હતા. તો, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાર એસોસીએશનમાં પ્રમુખ તરીકે રાજેશ પારેખ ચૂંટાઇ આવ્યા છે. આ જ પ્રકારે ફેમીલી કોર્ટ બાર એસોસીએશનમાં પ્રમુખ તરીકે હનીફ ખોખર ચૂંટાઇ આવ્યા છે. રાજયના મોટાભાગના બાર એસોસીશનોના મોડી રાત્રે જાહેર થયેલા પરિણામો બાદ વકીલઆલમમાં કહીં ખુશી, કહીં ગમના દ્રશ્યો સર્જાયા હતા. ગઇકાલે મોડી સાંજે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ તરીકે એડવોકેટ અસીમ પંડયા અને ઉપપ્રમુખ તરીકે એડવોકેટ સમીર દવે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. તો, હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના કમીટી મેમ્બર તરીકે ખુશ્બુ વ્યાસ, હિમાંશી બલોડી, મીત્તલ પટેલ, દર્શન એ.દવે, આદિત્ય ભટ્ટ, નિખિલ વ્યાસ, હાર્દિક રાવલ, અલ્કેશ શાહ, મેહુલ સુરતી અને ચંદ્રમણિ મિશ્રા ચૂંટાઇ આવ્યા હતા. આ વખતની વકીલ મંડળોની ચૂંટણીમાં સૌપ્રથમવાર વન બાર વન વોટ નિયમ મુજબ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના સેક્રેટરી તરીકે પૃથ્વીસિંહ જાડેજા, જોઇન્ટ સેક્રેટરી તરીકે હાર્દિક બ્રહ્મભટ્ટ અને ખજાનચી તરીકે હુકમસિંગ ચૂંટાઇ આવ્યા હતા. રાજયના ૨૫૩ બાર એસોસીએશનોના પરિણામો જાહેર થયા બાદ સમગ્ર વકીલઆલમમાં કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. વકીલઆલમમાં પરિણામોને લઇ જોરદાર ચર્ચા ચાલી હતી.

 

(9:32 pm IST)