Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ગુજરાતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફેલાયું : નલિયા ખાતે ૬.૮

વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું મોજુ ફેલાયું: લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ વચ્ચે લોકો સાવધાન : અમદાવાદ ખાતે ૧૬.૧ ડિગ્રી તાપમાન

અમદાવાદ, તા.૨૩, ગુજરાતભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ વચ્ચે આજે નલિયા ઠંડુગાર રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને ૬.૮ ડિગ્રી થઇ ગયું છે. બીજી બાજુ બાકીના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો પણ થયો છે. ૧૨થી નીચે જ્યાં તાપમાન નોંધાયું છે તેમાં વલસાડમાં ૧૧.૧ અને ભુજમાં ૧૧.૭ ડિગ્રીનો સમાવેશ થાય છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળી શકે છે. વાદળછાયુ વાતાવરણ પણ નહીં રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સવારથી જ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની અસર પણ દેખાઈ રહી છે. બીજી બાજુ સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. મોડીરાતથી વહેલી પરોઢ સુધી ઠંડીનો અનુભવ લોકો કરી  રહ્યા છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. આજે રાજ્યના નલિયામાં સૌથી ઓછું ૬.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬.૧ ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમરેલીમાં ૧૭.૪, રાજકોટમાં ૧૬.૬, સુરેન્દ્રનગરમાં ૧૬.૩ અને મહુવામાં ૧૬.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભુજમાં લઘુત્તમ તાપમાન ૧૧.૭ ડિગ્રી નોંધાઈ ગયું છે. ઠંડીનું પ્રમાણ અકબંધ રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતી લોકો હાલ પહોંચેલા છે. આ પ્રવાસી લોકો હાલ તીવ્ર ઠંડી અનુભવી રહ્યા છે. કારણ કે માઉન્ટ આબુમાં પારો એક ડિગ્રીની આસપાસ છે.

(9:20 pm IST)