Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

વાઘોડિયા નજીક ખેતરમાં મહિલાની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા તપાસ શરૂ

વાઘોડિયા:તાલુકાના મઢેલી ગામના ખેતરમાં એક મહિલાની ગળે ટૂંપો આપી કરપીણ હત્યા થયેલી લાશ દાટેલી  મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. છેલ્લા પાંચ દિવસથી આ મહિલા લાપત્તા થઇ ગઇ હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે.

મઢેલી ગામમાં રહેતી વૃધ્ધા રસીકાબેનની નાની બહેન કૈલાસના લગ્ન અગાઉ રોપા ખાતે થયા હતાં તેને સંતાનમાં બે પુત્રો છે. દસ વર્ષ પહેલા પતિનું મૃત્યુ થતા કૈલાસબેને મહીસાગર જિલ્લાના અડદી ગામે રહેતા અમરસિંહભાઇ બારીયા સાથે  એક વર્ષ પહેલા ફુલહાર કર્યા હતાં. જો કે ૧૫ દિવસ પહેલા અમરસિંહભાઇ પત્ની કૈલાસને મઢેલી ગામે મુકી ગયા હતાં. તા.૧૫ની રાત્રે કૈલાસબેન તેના પિતાનું સ્વેટર પહેરીને ઘેરથી નીકળ્યા બાદ લાપત્તા થઇ ગયા હતાં. ઘરના સભ્યોએ વ્યાપક શોધખોળ કરી છતા પણ પત્તો મળ્યો ન હતો. દરમિયાન ગઇકાલે રાત્રે કૈલાસબેનની લાશ ગામની સીમમાં રણજીતસિંહ ગુલાબસિંહ પરમારના બે ખેતરની વચ્ચે પાણીના કાંસમાં માટીથી દાટેલી મળી હતી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે હત્યા તેમજ પુરાવાનો નાશ કરવા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યા કોણે અને ક્યાં કારણોસર કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(6:45 pm IST)