Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

સેવાલિયાની ગ્રામીણ બેંકમાં તસ્કરોએ શટર તોડી લેપટોપ તેમજ હાર્ડડિસ્કનો હાથફેરો કર્યો

સેવાલીયા:શહેરના એક વિસ્તારમાં આવેલ ગ્રામીણ બેંકમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. તસ્કરોએ બેંકનું શટર તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લેપટોપ અને કોમ્પ્યુટરમાંથી હાર્ડડીસ્ક લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ સ્થાનિક પોલીસે ગુનો નોંધવાનો ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના બાલાસીનોર રોડ ઉપર એપીએમસીનું માર્કેટ યાર્ડ આવેલ છે. આ માર્કેટ યાર્ડના કંપાઉન્ડમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે. ગઈકાલે મધરાત્રિએ અજાણ્યા પાંચ જેટલા તસ્કરોએ ઉપરોક્ત બેંકનું શટર તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આ તસ્કરોએ બેંકની અંદર મૂકેલ કેમેરા, લેપટોપ અને કોમ્પ્યુટરને નુકશાન પહોંચાડી તેમાંથી હાર્ડ ડીસ્ક અને મેમરી કાર્ડ લઈ પલાયન થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત બેંકની નજીકજ ગ્રામ રક્ષક દળનો પોઈન્ટ છે. બનાવની રાત્રિએ રક્ષક દળના જવાનને બેંક પાસે અવાઝ સંભળાતા જવાને ત્યાં તપાસ આદરી હતી. જ્યાં પાંચ જેટલા અજાણ્યા લોકો બેંકનું શટર તોડી રહેલા નજરે ચઢ્યા હતા. ત્યારબાદ આ જવાને તુરંત સેવાલીયા પોલીસનો સંપર્ક સાંધ્યો હતો. થોડા સમયમાંજ પોલીસ ત્યાં આવી પહોંચતા તસ્કરો પોલીસને જોઈ પલાયન થઈ ગયા હતા. પોલીસ તસ્કરોનો પીછો કરે નહી તે માટે તસ્કરોએ છુટા પથ્થરો પણ પોલીસ ઉપર ફેક્યા હતા. આ બનાવ અંગે પોલીસે ચોરીના ગુનો નોંધવાની કાર્યવાહી હાથધરી છે.

(6:45 pm IST)