Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ભિલોડાના ધંબોલીયાં ગામે સુતેલા પરિવાર પર પેટ્રોલ છાંટી સળગાવાનો પ્રયાસ કરતા ચકચાર

ભિલોડા:તાલુકાના ધંબોલિયા ગામે ઘરમાં સૂઈ રહેલ પરિવારને જીવતા સળગાવી દેવાના ઈરાદે પેટ્રોલ છાંટી આગ લગાવી દેવાતાં ચકચાર મચી ગઈ છે.અચાનક પેટ્રોલની ગંધ આવતાં પરિવાર જાગી ગયો હતો પરિણામે આગ બુઝાવી શકાઈ હતી.આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગ લાગવાને કારણે ચોપાડમાં રાખેલ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.બનાવને પગલે શામળાજી પોલીસે આગ લગાવનાર અજાણ્યા શખ્શ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધંબોલિયા ગામે રહેતા અને શામળાજી હાઈસ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હરિચંન્દ્રસિંહ ગુલાબસિંહ બારડ અને તેમના પત્ની તેમજ પુત્ર તથા પુત્રવધુ ગુરૃવારે રાત્રે ઘરમાં સૂતા હતા.દરમિયાન રાત્રે એક વાગ્યાના અરસામાં ચોપાડના ભાગેથી પેટ્રોલની ગંધ આવતાં અમૃતબા જાગી ગયા હતા અને પતિને ઉંઘમાંથી ઉઠાડી ઘરની બહાર ગયા હતા.આ સમયે લાઈટ ચાલુ કરીને જોતાં કોઈક અજાણ્યા શખ્શના હાથમાં પેટ્રોલનો કેરબો જોવા મળ્યો હતો અને તે શખ્શ ચોપાડના ભાગે પેટ્રોલ છાંટી રહ્યો હતો.એકાએક લાઈટ ચાલુ થયેલી જોતાં જ પેટ્રોલ છનંટી રહેલ શખ્શે માચીસ સળગાવી ચોપાડમાં નાખી હતી જેના કારણે આગનો ભડકો થઈ ગયો હતો.

બનાવને પગલે ઘરમાં સૂઈ રહેલ પરિવારને જીવતા સળગાવી દેવાના ઈરાદે પેટ્રોલ છાંટી આગ લગાવી દેનાર અજાણ્યા શખ્શ સામે શામળાજી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.દરમિયાન પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.કોઈ અંગત અદાવતમાં કે પછી કોઈ અન્ય કારણોસર પેટ્રોલ છાંટી આગ લગાવવામાં આવી તે અંગે પોલીસે તપાસનો દોર આરંભી દીધો છે.

(6:45 pm IST)