Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

અમદાવાદ: ઇસનપુરમાં 8 વર્ષીય બાળાની એકલતાનો લાભ લઇ અશ્લીલ હરકત કરનાર વૃદ્ધ નરાધમ ડોક્ટરની ધરપકડ

અમદાવાદ: શહેરના ઈસનપુરના રામવાડી વિસ્તારમાં ૮ વર્ષની બાળા સારવાર કરાવવા માટે વૃદ્વ ડોક્ટરના દવાખાન ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ ડોક્ટરે અશ્લિલ હરકત કરી હતી. ડોક્ટરની હરકતથી ગભરાયેલી બાળાએ પરિવારને જાણ કરતાં પરિવારજનો દવાખાને દોડી આવ્યા હતા અને ડોક્ટરને મેથીપાક ચખાડીને પોલીસ હવાલે કર્યો હતો. ઈસનપુર પોલીસે ડોક્ટર મહેશ દવે સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઈસનપુર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સોહનસિંગના સંતાનો પૈકી ૮ વર્ષની પુત્રી માયા ગત બુધવારે સ્કૂલમાં રમતાં રમતાં પડી ગઈ હતી. જેથી તેને કોણી ઉપર ઈજા થઈ હતી. માયા ગઈકાલે સાંજે સવા સાતેક વાગે ડોક્ટર મહેશ દવેના ત્યાં ડ્રેસિંગ કરાવવા ગઈ હતી. ઘરે આવ્યા બાદ માયાએ તેની માતાને જણાવ્યું હતું કે, મમ્મી હું મહેશભાઈ ડોક્ટરના દવાખાને ડ્રેસિંગ કરાવવા માટે ગયેલી ત્યારે આ ડોક્ટર તેમના દવાખાનામાં હાજર હતા અને બીજંુ કોઈ હાજર ન હતું અને મેં ડોક્ટરને મારો જમણો હાથ ડ્રેસિંગ કરાવવા બતાવેલો. જેથી આ મહેશભાઈ ડોક્ટરે મારો હાથ પકડી લીધેલ ગંદી હરકત કરવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ બહારથી ઘરે આવેલા સોહનસિંગને થતા તેઓ પત્ની અને પુત્રી સાથે મહેશ દવેના દવાખાને ગયા હતા. જ્યાં ઉશ્કેરાયેલા મોહનસિંગે ડોક્ટરને તે કેમ મારી બેબી સાથે આવું કર્યું તેમ કહી નિર્લજ્જ હરકત કરનારા મહેશ દવેને ત્રણેક થપ્પડ ફટકારી દીધી હતી. ઉગ્ર બોલાચાલી થતા આસપાસમાંથી લોકો એકઠા થતા પોલીસ કંટ્રોલરૃમમાં સોહનસિંગે ફોન કરી ઘટનાની જાણ કરી હતી.

બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી આવેલી ઈસનપુર પોલીસે સોહનસિંગની ફરિયાદ આધારે મહેશ મોહનલાલ દવે (ઉ.૬૦ રહે. કૃષ્ણકુંજ સોસાયટી, પ્રાણશંકર હોલની સામે મણિનગર ભૈરવનાથ રોડ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:45 pm IST)