Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

અમદાવાદના ઘાયલોડિયામાં પાર્સલના બહાને આવેલ શખ્સ 10 મિનિટમાં વૃદ્ધાની હત્યા કરી ગૂમ થઇ જતા ચકચાર

અમદાવાદ:શહેરના ઘાટલોડિયામાં કર્મચારીનગર વિભાગ-૨માં વૃદ્વાના હત્યા કેસમાં હજુ પોલીસને ઠોસ કડી મળી નથી. આરોપી કયા ઈરાદે આવ્યો હતો ? હત્યારો જાણભેદુ હતો કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે પરંતુ, હજુ હત્યાનો પર્દાફાશ થયો નથી. ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે ૩૫થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે, પાર્સલ ડિલીવરીના બહાને આવેલો અજાણ્યો શખ્સ માત્ર ૧૦ જ મીનિટમાં વૃદ્વાની હત્યાને અંજામ આપી ફરાર થઈ જાય છે.

રંભાબહેન બાલકૃષ્ણભાઈ પટેલના ઘરમાં ઘૂસવા માટે જાણભેદુ પણ અજાણ્યો શખ્સ પાર્સલ ડિલીવરી બોય બન્યો હતો. બે પાર્સલ ઉપર મૃતકના પુત્રી પૂનમબહેનનું નામ લખીને ડિલીવરી કરવા ગુરૂવારે બપોરે ૨.૧૦ કલાકે અજાણ્યો શખ્સ પહોંચ્યો હતો અને ૧૦ મીનીટમાં જ તે પરત ફરતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે. કર્મચારીનગર વિભાગ-૨માં ૬૪ બંગલા આવેલા છે. છેલ્લા એકાદ પખવાડીયાથી ચોકીદારને રાખવા મુદ્દે રકઝક ચાલતી હતી. દસેક દિવસ અગાઉ જ દિવસ અને રાત માટે બે ચોકીદાર રાખવામાં આવ્યા છે. ગુરૂવારે બપોરે સોસાયટીના વૃધ્ધ ચોકીદાર જમવાનું લેવા ગયા હતા તે ગાળામાં જ હત્યારો આવ્યો હોવાનું સામે આવતા પોલીસે ચોકીદારોની પૂછપરછ કરી છે.

ડિલીવરી બોય બનીને આવેલા હત્યારાએ જે પાર્સલ રંભાબહેન પટેલના ઘરે આપ્યા હતા તે પૈકી એક દંતક્રાંતિ અને ચીંગઝ નૂડલ્સના બોક્સ હતા. જેમાં થર્મોકોલની ડિસ્પોઝેબલ ડિશ અને ગ્લાસ હતા. પોલીસને આશંકા છે કે, હત્યારાએ નજીકમાંથી જ કોઈ કરિયાણાની દુકાન અથવા પસ્તી-ભંગારવાળા પાસેથી ખાલી બોકસ મેળવ્યા હોય.

(6:44 pm IST)