Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

વડોદરા રેલવે સ્ટેશન પર એનઆરઆઈ વૃદ્ધાના 18.25 લાખની મત્તાની ચોરી: સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ

વડોદરા:દિલ્હી જવા માટે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઇને વૃધ્ધ એન.આર.આઇ. વ્હિલચેરમાં બેઠા હતા. તે દરમિયાન કોઇ ગઠિયો અમેરીકન ડોલર, ડાયમંડ, સોનાના દાગીના, રોકડ વિગેરે મળી કુલ્લે રૂપિયા 18.25 લાખનો મુદ્દામાલ મૂકેલી સોલ્ડર બેગ લૂંટીને ફરાર થઇ ગયો હતો. શુક્રવારે રાત્રે બનેલી આ ઘટના અંગે રેલવે પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરના ગોત્રી રોડ ઇસ્કોન મંદિર પાસે આવેલ 803, પ્રથમ રેસીડેન્સીના રહેવાસી રઘુવિરશરણ દોલતરામ અગ્રવાલ અમેરીકામાં 12434 એકરાયા ઓર્વર લેન, યુસ્ટર્ન ટેક્સસમાં સ્થાયી થયેલા છે. શુક્રવારે રાત્રે રઘુવિરશરણ અગ્રવાલ અને તેમના પત્ની દિલ્હી જવા માટે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર-1 ઉપર મુસાફરખાનાના ગેટ નંબર-3 પાસે વ્હિલચેરમાં ટ્રેનની રાહ જોઇને બેઠા હતા. દરમિયાન યલો કલરનું શર્ટ પહેરેલ આશરે 30થી 35 વર્ષનો યુવાન તેમની પાસે ધસી આવ્યો હતો. અને એન.આર.આઇ. પાસેની સોલ્ડર બેગ લૂંટીને ફરાર થઇ ગયો હતો. દરમિયાન આ બનાવ અંગેની રેલવે પોલીસ મથકમાં કુલી રતનભાઇ ગોહિલે ફરિયાદ નોંધાવી હતી. રઘુવિરશરણ અગ્રવાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેગમાં ડાયમંડ, ડાયમંડની બુટ્ટી, સોનાની 2 જોડી બંગડી, સોનાની 3 જોડી ચુડી, અમેરીકન ડોલર, રોકડ રૂપિયા 70,000 સોનાથી મઢેલ સફેદ મોતીનો હાર, સોનાની ચુની, બે પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, પાન કાર્ડ વિગેરે હતું. વડોદરા રેલવે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે રૂપિયા 18,25,000ના મુદ્દામાલની લૂંટનો ગુનો દાખલ કર્યો છે. અને રેલવે સ્ટેશન ઉપરથી સી.સી.ટી.વી. ફૂટેજ મેળવી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા શખ્સની શોધખોળ શરૂ કરી છે. શુક્રવારે સાંજે બનેલા આ બનાવે રેલવે સ્ટેશન ઉપર ભારે ચકચાર જગાવી મૂકી હતી.

(6:44 pm IST)