Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

અમદાવાદમાં પ જાન્યુઆરીથી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો

ભારતીય સંસ્કૃતિના પુનરૂત્થાનને વેગ અને સમાન ઉદેશ્યવાળી સંસ્થાઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ : ગુજરાતભરમાંથી ૪૦૦ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન

રાજકોટ તા. ૨૩ : ચેન્નઇમાં છેલ્લા આઠ વર્ષથી યોજાય છે તેવો 'હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો' આગામી તા. પ થી ૮ જાન્યુઆરી અમદાવાદ ખાતે આયોજીત થયો છે.

હિન્દુ સ્પીરીચ્યુઅલ અને સર્વીસ ફાઉન્ડેશન કે જે આ પ્રકારના મેળાનું આયોજન કરે છે. માનવ સેવા એજ પ્રભુ સેવાના વિચારોને વળેલી અને વૈદિક વિચાર ધરાવતી સમાન ઉદેશ્યવાળી સંસ્થાઓ એક મંચ ઉપર આવે તેમજ ભારતની સાંસ્કૃીતક પુનરૂથ્થાનની પ્રક્રિયાને વેગ મળે તેવો આશય આ હિન્દુ આત્યાત્મીક અને સેવા મેળા પાછળનો રાખવામાં આવે છે. વન સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, માનવીય પારીવારીક મુલ્યોનું સંરક્ષણ, નારી ગરીમાની અભિવૃધ્ધી, રાષ્ટ્રભકિત જાગરણ સહીતના મુદ્દાઓ આ મેળામાં આવરી લેવામાં આવે છે.

પૂર્ણ ભારતમાં ૧૧ રાજયોમાં કુલ ૨૦ મેળાઓ થઇ ચુકયા છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ (કર્ણાવતી) ખાતે આગામી તા. ૫ થી ૮ જાન્યુઆરીના આવો મેળો આયોજીત થયો છે. આ કાર્યક્રમના અનુસંધાને આજે ૨૩ ડીસે.ના શનિવારે રીવરફ્રન્ટ કર્ણાવતી ખાતે સમુહ વંદેમાતરમ ગાનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

મેળા દરમિયાન આદરાંજલી અને પુજા, સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. આખો દિવસ પરંપરાગત રમતો અને વિવિધ સેમીનારો ચાલશે. રાત્રે સાંસ્કૃતિ કાર્યક્રમો થશે.

 આ સેવા મેળામાં રાજકોટ જિલ્લામાંથી હેડગેવાર સેવા સમિતિ રાજકોટ, પૂજીત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટ, સ્વ. અરવિંદભાઇ મણીઆર, જનકલ્યાણ ટ્રસ્ટ, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર, પાંજરાપોળ વાંકાનેર, એનીમલ હેલ્પલાઇન  કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, બોલબાલા ટ્રસ્ટ, રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રામજી મંદિર ગોંડલ, ભુવનેશ્વરી પીઠ ગોંડલ, આણદા બાવા આશ્રમ જામનગર, ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ, ખીજડાવાળા મંદિર જામનગર સહીત ગુજરાતમાંથી ૪૦૦ થી પણ વધારે સેવાકીય સંસ્થાઓના રજીસ્ટ્રેશન કરાયા છે.

હિન્દુ સેવા સમિતિ દ્વારા ભાગ લેનાર સંસ્થાઓને સ્ટોલ તેમજ વ્યવસ્થા સંભાળનાર સ્વયંસેવકને નિઃશુલ્ક ફાળવવામાં આવેલ છે. આ મેળાની વિશેષ જાણકારી માટે મો.૯૪૨૮૨ ૦૦૧૦૯ ઉપર સંપર્ક કરવા ચમનભાઇ સિંધવની યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)