Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

અમદાવાદમાં ૧૫૦ સંગીતકારોના સંગાથે પ૦ હજાર વિદ્યાર્થીઓનું 'વંદે માતરમ્' ગાનઃ તિરંગાની પ્રતિકૃતિનું નિર્માણઃ વિજયભાઇ રૂપાણી, નિર્મલા સીતારામન સહીતનાની ઉપસ્થિતિ

રાજકોટ, તા., ૨૨ :   હિન્દુ આધ્યાત્મીક  અને સેવા સંસ્થાન દ્વારા રાષ્ટ્રભકિત જાગરણ માટે આજે તા.ર૩ ને શનીવારે સવારે ૮ થી ૧૦.૩૦ સુધી અમદાવાદના રિવર ફ્રન્ટ ઇવેન્ટ મેદાન ખાતે ૧પ૦ સંગીતકારોના દેશભકિતના સુર સાથે વંદ માતરમનું ગાયન અને પ૦ હજાર વિદ્યાર્થીઓ ત્રિરંગો બનાવીને રાષ્ટ્રભકિત જાગરણ માટે પ્રયાસ કર્યો હતો. આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ખાસ ઉપસ્થિત રહયા હતા.

દેશવાસીઓમાં ભારતીય મુલ્યો અંગે જાગૃતી લાવવા માટે પ જાન્યુઆરીથી ૮ જાન્યુઆરી દરમિયાન હિન્દુ આધ્યાત્મીક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પુર્વે આ રાષ્ટ્રવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

હિન્દુ આધ્યાત્મીક અને સેવા સંસ્થાના  પ્રમુખ પ્રદીપ મોદીએ જણાવ્યું કે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ઉપરાંત પાર્થિવ ગોહેલ, બંકીમ પાઠક, યોગેશ ગઢવી, પ્રહર વોરા, દક્ષા ગોહીલ, નયના શર્મા, શશાંક શુકલ, હસીત વોરા સહિત લગભગ ૧પ૦ કલાકારો અને સંગીતકારો દ્વારા રાષ્ટ્રગાન રજુ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં વિવિધ શાળા કોલેજોના ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. જેમનું એસઆરપી બેન્ડ અને મિલીટ્રી બેન્ડ રાષ્ટ્રભકિતના ગીતો દ્વારા સ્વાગત કરાયું હતું.  તે ઉપરાંત સૈન્યમાં વિશેષ સિધ્ધીઓ હાંસલ કરનાર જવાનોને તિલક કરીને તેમને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ આજના યુવાનોને દેશ સેવા માટે પ્રેરીત કરવા માટે પરમવીર ચક્રથી સન્માનીત ર૧ જવાનોના ફોટા  સાથે તેમની શૌર્ય ગાથાનું રજુ કરતી પરમવીરચક્ર પોકેટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકો માટે કાર્યક્રમને વધુ મનોરંજક અને આકર્ષક બનાવવા માટે સાબરમતી નદીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતી હોડીઓ મુકવામાં આવી હતી.

 હિન્દુ અધ્યાત્મક સંસ્થાન દ્વારા રાષ્ટ્ર ભકિત જાગરણનાં હેતુથી આજે સવારે અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે રપ૦૦૦ હજાર કોલેજીયન સહિત પ૦ થી ૬૦ હજાર વિદ્યાર્થી ભાઇ-બહેનોએ માથા ઉપર કેસરી, લીલી, અને સફેદ ટોપી ધારણ કરીને કતાર બધ્ધ રીતે બ્લોકવાઇઝ બેસીને સમગ્ર રિવર ફ્રન્ટ ઉપર દેશનાં રાષ્ટ્રધ્વજ 'ત્રિરંગા' ની પ્રતિકૃતી બનાવી હતી. આ પ્રકારે અનોખી રીતે  જબરજસ્ત ત્રિરંગો લહેરાવી દેશ ભકિત ઉજાગર કરી હતી બરાબર આજ સમયે ૧પ૦ જેટલા સંગીતકારોએ ઉપસ્થિત રહી દેશભકિતનાં સૂર રેલાવી ઉપસ્થિત હજારો વિદ્યાર્થીઓએ એકી અવાજે 'વંદેમાતરમ્' નું ગાન કર્યુ ત્યારે વાતાવરણ દેશભકિતમય બની ગયું હતું. આ અનેરા પર્વમાં રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૃપાણી ત્થા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી નિર્મલા સીતારામને ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.  તસ્વીરમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ત્થા અમદાવાદનાં મેયર ગૌતમ શાહ મંચ પર ઉપસ્થીત દર્શાય છે. આ તકે સૈન્ય - પોલીસનાં જવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. તે અને ઉપસ્થિત વિદ્યાર્થીઓનાં સમુહ તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર - અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

(5:06 pm IST)