Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યોને ભાજપે જ હરાવ્યા

માણસા, વિરમગામ, જામનગર, ઠાસરા અને બાલાસિનોરમાં સ્થાનિક કાર્યકરોએ વિરોધમાં કામ કર્યું

નવી દિલ્હી તા. ૨૩ : રાજયસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં કોંગ્રેસના ધારાસભ્યોમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલાં સાત ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યોનો પરાજય થયો છે. ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડેલાં આ ધારાસભ્યોને હરાવવા માટે ભાજપના સ્થાનિક નેતાઓ-આગેવાનોએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે. બીજી રીતે કહીએ તો અમદાવાદ જિલ્લાની વિરમગામની બેઠકના ઉમેદવાર તેજશ્રીબેન પટેલ, માણસાના અમિત ચૌધરી, જામનગરના રાઘવજી પટેલ, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણને પક્ષપલટો કરવાની કિંમત પરાજયથી ચૂકવવી પડી છે.

ભાજપની વિજયકૂચ ૯૯ બેઠકે અટકી ગઈ છે ત્યારે જો આ ધારાસભ્યોને જીતાડવામાં ભાજપનું સ્થાનિક સંગઠન કામે લાગ્યું હોત તો વિધાનસભામાં ૧૦૫ બેઠક સાથે ભાજપનો દબદબો જોવા મળ્યો હોત તેવું કહેવામાં અતિશયોકિત નથી. રાજયમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં ૧૨ ધારાસભ્યોમાંથી સાત ધારાસભ્યોને ટિકિટ આપી હતી.

અલબત્ત, આ ધારાસભ્યોને ટિકિટ આપીને જીતાડવાની ખાતરી સાથે જ ભાજપમાં લેવામાં આવ્યા હતા. ભાજપના મોવડીમંડળ દ્વારા નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબ માણસામાંથી અમિત ચૌધરી, જામનગર-ગ્રામ્યમાંથી રાઘવજી પટેલ, વિરમગામમાંથી ડો.તેજશ્રીબેન પટેલ, ઠાસરામાંથી રામસિંહ પરમાર, બાલાસિનોરમાંથી માનસિંહ ચૌહાણ, ગોધરામાંથી સી.કે.રાઉલજી અને જામનગર ઉત્ત્।રમાંથી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયેલી આ ચૂંટણીમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોએ બહારથી આવેલાં આ ઉમેદવારોને સ્વીકાર્યા નહોતા. એટલું જ નહીં, આ ધારાસભ્યો જીતને નહીં તે માટે ખુલ્લેઆમ કામ કર્યું હોવાની ફરિયાદ ભાજપના મોવડીમંડળને કરવામાં આવી છે. ચૂંટણી હારેલાં ધારાસભ્યો કહે છે કે, અમારી સ્થિતિ થોડા સમય પહેલાં જે સાથીઓ હતા તેમની સામે લડવાનું હતું, પરંતુ નવા સાથીઓ તરફથી આ લડાઈમાં સહકાર મળ્યો નહીં, ઉપરથી હરાવવા માટેના પુરા પ્રયાસો થયા હતા.

માણસામાં પાટીદાર ફેકટરની આડમાં ભાજપના આગેવાનોએ અમિત ચૌધરીની વિરુદ્ઘમાં કામ કર્યું તો વિરમગામમાં તો માંડલના પૂર્વ ધારાસભ્યએ એક મંત્રીના ઈશારે હીરાપુરા અને દોલતપુરામાં પાટીદારોની ખાનગી બેઠક બોલાવીને તેજશ્રીબેનને હરાવવાની યોજના પાર પાડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આવી જ સ્થિતિ જામનગર-ગ્રામ્યમાં જોવા મળી છે. રાઘવજી પટેલ પાટીદાર સમાજના હોવાછતાં ભાજપના સ્થાનિક કાર્યકરોએ ખેડૂતોના પોષણક્ષમભાવ, દેવામાફી વગેરે જેવા મુદ્દાની આડમાં રાઘવજી પટેલને હરાવવામાં કોઈ કસર છોડી ન હતી. ઠાસરા અને બાલાસિનોરમાં પાટીદાર ઈફેકટ નહોતી પરંતુ જયારથી આ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારથી સ્થાનિક ભાજપમાં નારાજગી હતી.(૨૧.૯)

(10:21 am IST)