Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

નવતર પ્રયોગ

હવે ફેસબુકથી પણ બુક કરાવી શકાશે ગેસ સિલિન્ડર

અમદાવાદ તા. ૨૩ : પોતાના વિચારો વ્યકત કરવા સૌથી સશકત માધ્યમ ફેસબુકથી હવે તમે રાંધણ ગેસ પણ બુક કરાવી શકશો. આ નવી વ્યવસ્થા અંતર્ગત એલપીજી સિલિન્ડર સરળતાથી તમારા ઘરે પહોંચી જશે. હાલ આ સુવિધા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ તરફથી શરૂ કરવામાં આવી છે.

સૌથી પહેલા તમારું ફેસબુક અકાઉન્ટ ખોલો. જો પહેલેથી ખોલેલું હોય તો નવું અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તે પછી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના પેજ પર જાઓ. અહીં તમને એલપીજી સેકશનમાં જવું પડશે. જયાં બુક નાઉનું ઓપ્શન મળશે. તેના પર કિલક કરશો એટલે તમારા ફેસબુક અકાઉન્ટ સાથે તે વેરિફાઈ કરવાનું પૂછશે. તેમ કર્યા પછી તમે બુકિંગ માટે આગળની પ્રોસેસ કરી શકશો. જેમાં એલપીજી આઈડીમાં તમારો આઈડી નંબર નાંખવાનો રહેશે. તે ૧૬ આંકડાનો હોય છે. આઈડી નંબર નાખ્યા બાદ ઓક પર કિલક કરતાની સાથે જ સિલિન્ડર બુક થઈ જશે.

ફેસબુક પર એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવ્યા બાદ સંબંધિત ગેસ એજન્સીને તેની સૂચના મળી જશે. એજન્સી તરફથી કેશમેમો પ્રિન્ટ થશે અને તમારા ઘરે સિલિન્ડરની ડિલીવરી કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી પણ હાલમાં રાંધણ ગેસનો બાટલો બુકિંગ થઈ શકે છે. આ સુવિધાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ સુવિધા શરૂ થવાથી ગ્રાહકોને ઘણી જ રાહત થઈ છે અને ગેસનો બાટલો નોંધાવવા છેક એજન્સી સુધી ધક્કો ખાવામાંથી ગ્રાહકોને છૂટકારો મળ્યો છે.

(9:36 am IST)