Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અંકલેશ્વર પોલીસે લોખંડનો ભંગાર ભરેલા નંબર પ્લેટ વગરના શંકાસ્પદ ટેમ્પો સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા

અંકલેશ્વર પોલીસે નેશનલ હાઈવે ઉપરથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલા ટેમ્પો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તમામની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  એલ.સી.બી પોલીસની ટીમ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક ટેમ્પો લોખંડનો ભંગારનો જથ્થો ભરીને આવતો હોય તેને અટકાવ્યો હતો. આ ભંગાર ભરેલા ટેમ્પો સાથે ત્રણ શખ્સો શાહઆલમ અનવરખાન, પપ્પુ લેશમહંમદ ખાન અને પરવેઝ અહમદ ઉર્ફે જલાલ મહંમદ હનીફ ખાનને ઝડપી પાડ્યા હતા.

  પોલીસે તેમની પાસેથી લોખંડનાં ભંગાર અંગેના પુરાવા માંગતા સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી આ મુદ્દામાલ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોય પોલીસે નંબર વગરનો ટેમ્પો જેની કિંમત રૂપિયા 3 લાખ અને ભંગારની કિંમત રૂપિયા 69,600 મળી કુલ રૂપિયા 3.69 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

(10:09 pm IST)