Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

આવું નિવેદન રાજ બબ્બરની હલકી માનસિકતા દર્શાવે છે

મોદીની માતા અંગે નિવેદનથી રૂપાણી નારાજ : મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ પણ કોંગ્રેસી લીડર રાજ બબ્બરના નિવેદનની ટીકા કરીને કોંગ્રેસની હતાશા ગણાવી

અમદાવાદ, તા.૨૩ :  હાલ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ-ભાજપ જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે ગઇકાલે એક ચૂંટણી રેલીને સંબોધતા ઁવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં ભાજપની છાવણીમાં જોવા મળ્યા હતા. આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ બબ્બરના આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢયું હતું અને જણાવ્યું હતું કે, આ પ્રકારનું નિવેદન એ વાસ્તવમાં રાજ બબ્બરની નીચી માનસિકતાનું પ્રદર્શન છે. હું તેમના આ નિવેદનની ટીકા કરું છું અને તેઓએ પીએમની માફી માંગવી જોઇએ. બીજીબાજુ, વડાપ્રધાનના ભાઇ એવા પ્રહલાદ મોદીએ પણ રાજ બબ્બરના નિવેદનને લઇ આકરી ટીકા કરી અને તેને કોંગ્રેસની હતાશા ગણાવી હતી. રાજકારણ સાથે સંકળાયેલા નથી તેવા લોકોને લઇ ટિપ્પણી કરવી યોગ્ય નથી અને આ પ્રકારનું નિવેદન ખરેખર નિંદનીય અને વખોડવાલાયક છે. ઉલ્લેખનીય છે કે ઇન્દોરમાં એક રેલીને સંબોધતા રાજ બબ્બરે કહ્યું હતું કે, જ્યારે તેઓ (પીએમ મોદી) કહેતા હતાં કે ડોલરની સામે રૂપિયો એટલો બધો તૂટી ગયો છે કે તે સમયના પીએમ (મનમોહનસિંહ)ની ઉંમર બતાવીને કહેતા કે તેમની ઉંમરની લગભગ નીચે જઇ રહ્યો છે. આજે રૂપિયો તમારા પૂજનીય માતાજીની ઉંમરની નજીક નીચે પડવાનું શરૂ થઇ ગયું છે. રાજ બબ્બરના નિવેદનને લઇ રાજકારણ ગરમાયું હતું. ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી માંડી ગુજરાતના સ્થાનિક નેતાઓ પણ રાજ બબ્બરની ટીકા કરવામાં ઉતરી આવ્યા હતા. જેને લઇ ફરી એકવાર રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું હતું.

(9:48 pm IST)