Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

રો-રો ફેરી વધુ ૩ દિવસ બંધ રખાશે : કૌભાંડ થયાની શંકા

રો-રો ફેરી સર્વિસ પાછળ ૭૦૦ કરોડનો ધુમાડો : માત્ર પંદર જ દિવસમાં જહાજમાં ગંભીર ટેકનિકલ ક્ષતિ સર્જાઈ : નબળુ જહાજ હોવા છતાં ખરીદી કરાયાની ચર્ચા

અમદાવાદ, તા.૨૩ : તાજેતરમાં મધદરિયે મુસાફરો સાથે અટવાઈ પડેલા દહેજ-ઘોઘા રો રો ફેરી સર્વિસના જહાજને ટગ બોટ દ્વારા ઘોઘા બંદરે લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સર્વિસ સતત બે દિવસથી બંધ રાખવામાં આવી છે. જે વધુ ત્રણેક દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈને ટ્રીપ માટેનું એડવાન્સ બુકીંગ કરનારને રિફંડ આપવામાં આવ્યું છે. જો કે આ સર્વિસ શરૂ થયા બાદ અવારનવાર કોઈને કોઈ કારણોસર બંધ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે કરોડોના ખર્ચે શરૂ કરવામાં આવેલી રો રો ફેરી સર્વિસમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું અને આ પ્રોજેકટ પાછળ સરકારે રૂ.૭૦૦ કરોડનો ધુમાડો કરી નાંખ્યો હોવાનું જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. માત્ર પંદર જ દિવસમાં જહાજમાં ગંભીર ટેકનીકલ ક્ષતિ સર્જાતા નબળુ જહાજ હોવાછતાં ખરીદી કરી મોટું કૌભાંડ આચરાયું હોવાની પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે, જેને પગલે હવે વિવાદ વકરતાં સરકાર પણ ડિફેન્સમાં આવી ગઇ છે. ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે શરૂ થયેલી રો રો ફેરી સર્વિસ વધુ ત્રણેક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેને પગલે રો-રો ફેરી સર્વિસનો વિવાદ વકર્યો છે. બુધવારે વોયેજનું સીમફની કાર્ગો જહાજ દહેજથી ઘોઘા જતી વખતે એક એન્જીન બંધ થતાં અટક્યું હતું. જેને લઈને સંચાલન કરતી કંપની દ્વારા બે ટગ બોટ દ્વારા ૪૬૭ મુસાફરો અને ૭૦ વાહનો સાથેના આ જહાજને ઘોઘા લાવવામાં આવ્યું હતું. દરમિયાન અટવાયેલા લોકોને કંપની તરફથી યોગ્ય જવાબો ન મળતા રોષ ફેલાયો હતો. આ પ્રોજેક્ટ પાછળ ૭૦૦ કરોડ જેટલા અધધધ...ખર્ચનો ધુમાડો કરી દેવાયો હોઇ હવે આ સેવાને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે, સમગ્ર પ્રોજેકટમાં અને નબળું જહાજની જાણકારી હોવાછતાં તેની ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આ સેવા માટેનું જહાજ વોયેજ સિમ્ફની ૨૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૧૪૪ કરોડ રૂપિયામાં ખરીદાયું છે. ત્યારે તેમાં પણ ખામી આવવાને કારણે લોકોમાં અનેક આશંકાઓ સેવાઇ રહી છે અને આટલું મોંઘુ જહાજ ખરીદવામાં મોટા માથાઓએ કૌભાંડ આચર્યાની ગંભીર આંશકા સેવાઇ રહી છે. જીએમબી દ્વારા ફેરી ઓપરેટરને આઇઆરએસ સર્વે કરાવવા અને સમારકામ કર્યા બાદ ફરી એન્જીન પ્રમાણિત કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને પગલે નિષ્ણાંત એન્જીનિયરો દ્વારા આ જહાજનું રીપેરીંગ કરવામાં આવશે અને તમામ પ્રકારની ચકાસણી બાદ જ જહાજ જળ મુસાફરી માટે મુકવામાં આવશે. જેમાં ત્રણેક દિવસનો સમય લાગવાની શક્યતા હોવાથી આ સર્વિસ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રો-રો ફેરી સર્વિસના કથિત સમગ્ર કૌભાંડમાં હવે ન્યાયિક તપાસની માંગણી પણ ઉઠી રહી છે.

 

 

 

(8:40 pm IST)