Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

હવે ટુંક સમયમાં આફ્રિકાથી અમદાવાદની સીધી ફલાઇટ

ભારતમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન અપાશે : ઇથોપિયન એરલાઇન દ્વારા ગુજરાત સ્થિત ઓનલી મેરિટ સાથે મેડિકલ ટુરિઝમ પેકેજને પ્રોત્સાહન આપવા સમજૂતિ

અમદાવાદ, તા.૨૩ : ભારતમાં મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે હવે ઇથોપિયન એરલાઇન્સ પણ આફ્રિકાથી ભારતમાં મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપશે. સમગ્ર આફ્રિકામાં વિમાની સેવા પૂરી પાડતી મોટામાં મોટી ઇથોપિયન એરલાઇન્સ દ્વારા ગુજરાત સ્થિત ઓનલી મેરિટ સાથે ભારત, મલેશિયા અને યુનાઇટેડ આરબ અમીરાત માટે મેડિકલ ટુરીઝમ પેકેજને પ્રોત્સાહન આપવા મહત્વના કરાર કરાયા છે. આ અંગેની જાહેરાત ઇથોપિયન એરલાઇન્સના વાઇસ પ્રેસીડેન્ટ રાહેલ અસેફા અને ઓનલી મેરિટના ડિરેકટર અનિલ મેથ્યુએ આજે અમદાવાદમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે પ્રમાણે ભારત સહિત વિશ્વભરમાં મેડિકલ ટુરીઝમ વેગવંતુ અને પ્રોત્સાહિત થઇ રહ્યું છે તે જોતાં મેડિકલ ટુરીઝમની રેવન્યુનો આંક આગામી ૨૦૨૦ સુધીમાં નવ બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચે તેવી શકયતા છે. મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહનની સાથે સાથે આફ્રિકા અને ભારત વચ્ચે અવકાશી પરિવહન સેવા વધુ ઉત્કૃષ્ટ અને સરળ બનાવવાના હેતુસર નજીકના ભવિષ્યમાં આફ્રિકાથી સીધી અમદાવાદ ફલાઇટ શરૂ કરવામાં પ્રયાસો ચાલી રહ્યા છે, જેની પર ગંભીરતાપૂર્વકની ચર્ચા વિચારણા ચાલી રહી છે.  ઇથોપીઅન એરલાઇન્સના વાઇસ પ્રેસીડેન્ટ રાહેલ અસેફા અને ઓનલી મેરિટના ડિરેકટર અનિલ મેથ્યુએ વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઇથોપીઅન એરલાઇન્સ દ્વારા આફ્રિકાના જુદા જુદા વિસ્તારોમાંથી ભારત, મલેશિયા અને યુનાઇટેડ અમીરાત માટે મેડિકલ ટુરીઝમના ખાસ પેકેજ જાહેર કરવામાં આવશે. આફ્રિકાથી વર્ષેદહાડે પાંચથી છ લાખ લોકો વિવિધ પ્રકારની મેડિકલ સારવાર અને ઓપરેશન માટે ભારત આવતા હોય છે. તેમણે ઉમેર્યું કે, દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે ઇથોપીઅન એરલાઇન્સ દ્વારા ફલાઇટમાં પણ વિવિધ પ્રકારની

સેવા અને સુુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. ફલાઇટમાં દર્દીઓ માટે સ્ટ્રેચર, ઓકિસજનના બાટલા, મેડિકલ કીટ, દવા સહિતની અનેકવિધ અસરકારક સુવિધા હકારાત્મક અભિગમને ધ્યાનમાં લઇ ઉપલબ્ધ બનાવાશે કે જેથી દર્દીઓ અને તેમના સગાવ્હાલા મેડિકલ ટુરીઝમ પરત્વે પ્રેરાય.

મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપવા અને આફ્રિકા તેમ જ ભારતના સંબંધો મેડિકલ અને હેલ્થકેર સીસ્ટમને લઇ વધુ ગાઢ અને આત્મીયતાભર્યા બને તે હેતુથી ગુજરાત સ્થિત ઓનલી મેરિટની એકસ્પર્ટાઇઝનો  ખાસ ઉપયોગ કરવામાં આવશે.

 

(8:22 pm IST)