Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ધો.૧૧-૧૨ કોમર્સ કોર્સમાં જીએસટીનો સમાવેશ કરાશે

કોર્સમાં સામેલ કરનાર ગુજરાત પ્રથમ બન્યું : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શેક્ષણિક વર્ષ ૨૦૧૯થી જ અમલ : કોલેજના અભ્યાસક્રમમાં જીએસટીના વિષય

અમદાવાદ,તા.૨૩ : કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કર્યા પછી તેમાં કેટલાંક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો વેપારી વર્ગ પણ જીએસટીનાં યોગ્ય માર્ગદર્શનનાં અભાવે અવઢવ અનુભવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, હવે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૯થી જીએસટીને ધોરણ ૧૧-૧૨નાં અભ્યાસક્રમમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. આમ જીએસટીને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સમાવેશ કરનારું ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય બની જશે. જેણે શૈક્ષણિક અભ્યાસક્રમમાં જીએસટીનો સમાવેશ કર્યો હોય.     દેશભરમાં જીએસટી(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થયા બાદ હવે ગુજરાત શિક્ષણ વિભાગે તેને અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવાનું નક્કી કર્યું છે. આજે શિક્ષણ વિભાગે જીએસટી વિષયને અભ્યાસક્રમમાં દાખલ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે કુલ ૯ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. હવે વર્ષ ૨૦૧૯થી ધોરણ-૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે. જીએસટીના જટીલ અભ્યાસક્રમનો થિયરી તરીકે ધોરણ-૧૧ અને ૧૨ કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. જીએસટી વિષયને લઇ એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ મહેનત કરી રહ્યું હતું. તેમજ નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીઓનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષયતરીકે લાવવાની વિચારણા ચાલી રહી છે. આમ, જીએસટીને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સમાવેશ કરનારું ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય બની જશે. રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે, વિદ્યાર્થીઓને શિક્ષણકાળથી જ જીએસટી વિશે જાણકારી અને માર્ગદર્શન મળશે, જે તેઓને આગામી કારકિર્દીમાં વ્યવહારિક ઉપયોગમાં આવશે.

 

(8:39 pm IST)