Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતાની વચ્ચે ગેરકાયદે એકમ સક્રિય

નિવાસી વિસ્તારોમાં કોમર્શિયલ એકમોનો રાફડો : લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના ખાદ્ય ચીજોનો વેપાર ગુનો હોવા છતાંય કોર્પોરેશન નિષ્ક્રિય હોવાનો લોકોનો આરોપ

અમદાવાદ, તા.૨૩ : એકબાજુ ભારત સરકાર અને રાજય સરકાર ઇટ રાઇટ ઇન્ડિયાના અભિયાન અંતર્ગત આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુકત ખોરાક ખાવાની જાગૃતિ ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે બીજીબાજુ, ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય તંત્રની રહેમનજર હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદેસર લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના હજારો એકમો ગેરકાયદે રીતે ધમધમી રહ્યા છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં તો, રેસીડેન્સીયલ વિસ્તારમાં એટલે સુધી કે, સોસાયટીઓમાં ગેરકાયદે ચાલતા કોમર્શીયલ એકમોનો રાફડો ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહીશોના ત્રાહિમામ્ અને આવા કોમર્શીયલ એકમોથી પ્રદૂષણની ગંભીર અને જોખમી સ્થિતિ સર્જાતી હોવાછતાં અમ્યુકોનું હપ્તાખાઉ તંત્ર નિષ્ક્રિય થઇ બેસી રહ્યું હોવાના આરોપ નગરજનો લગાવી રહ્યા છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગના આ ભ્રષ્ટાચારના દૂષણને લઇને પણ નાગરિકોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, શહેરમાં ૫૦ ટકા હોટલ-રેસ્ટોરન્ટ પાસે તંત્રના જરૂરી કાયદેસર લાઇસન્સ કે રજિસ્ટ્રેશન છે જ નહી. ગત તા.૫ ઓગસ્ટ,૨૦૧૧થી સમગ્ર દેશમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં તમામ પ્રકારના એકમો માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬નું અમલ શરૂ કરાયું છે. જે મુજબ, વાર્ષિક રૂ.૧૨ લાખથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારી માટે હેલ્થ લાઇસન્સ ફરજિયાત છે પરંતુ શહેરમાં માંડ ૧૦ ટકાથી પણ ઓછા એકમ પાસે હેલ્થ લાઇસન્સ છે. એટલુ જ નહી, ૫૦ ટકા હોટલ-રેસ્ટોરન્ટ પાસે તંત્રના જરૂરી કાયદેસર લાઇસન્સ કે રજિસ્ટ્રેશન જ થયા નથી. શહેરમાં ગેસ્ટહાઉસ, કેટરીંગ, કલબ, કેન્ટીન, હોલસેલર્સ, પેકેજીંગ જેવા ધંધાર્થીઓ સહિત ૫૦ હજારથી વધુ એકમો ધમધમતા હોવાછતાં માત્ર ૯૨૯૬ એકમ હેલ્થ લાઇસન્સ ધરાવે છે. બીજીબાજુ, શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેસીડેન્સીયલ વિસ્તારમાં ખાસ કરીને રહેણાંક સોસાયટીઓમાં કોમર્શીયલ એકમોનું દૂષણ ઘણા ગંભીર પ્રમાણમાં વધ્યું છે, આવા કોમર્શીયલ એકમોના કારણે તે સોસાયટીઓના વાતાવરણ, સ્થાનિક પર્યાવરણમાં પ્રદૂષણ અને ગંદકીનું પ્રમાણ ચિંતાજનક અને જોખમી હદે વધવા છતાં અમ્યુકોના આરોગ્ય વિભાગની નજર પડતી ના હોય તેવું બની ના શકે પરંતુ પૈસાના જારે બધુ દબાઇ જાય છે અને હપ્તા ખાઇ અધિકારીઓ આવા ગેરકાયદે કોમર્શીયલ એકમો પર તવાઇ બોલાવતા નથી તેવી ફરિયાદ નાગરિકો કરી રહ્યા છે. આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારી અને લાલિયાવાળીના કારણે લોકો હવે રીતસરના ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે હેલ્ધી ફુડ અને ઇટ હેલ્ધીની મોટી મોટી વાતો કરતાં રાજય સરકાર અને ફુડ અને ડ્રગ વિભાગના સત્તાવાળાઓ અમ્યુકો તંત્રના આરોગ્ય વિભાગ પર તવાઇ બોલાવે તો તરત જ તેની અસર જોવા મળે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

 

(8:15 pm IST)