Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વેપારી દ્વારા મહિલાની સાથે શારીરિક અડપલાંથી ચકચાર

અમરાઈવાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં તપાસ : મહિલાએ વેપારીના પુત્રને વાત કરી પરંતુ તેણે પણ ધમકી આપી, જેથી મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ,તા. ૨૩ : છેલ્લા ઘણા સમયથી શહેરમાં મહિલાઓની અસલામતી વધી રહી છે. આજે પણ એક આવો જ છેડતીનો કિસ્સો બહાર આવ્યો છે. અમરાઇવાડીમાં એક મહિલાને મફતમાં સોનાનો દોરો આપવાનું કહી સોનાના વેપારીએ છેડતી કરી હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સોનાના વેપારીએ શરીરસુખ માણવા દે તો તેને મફતમાં સોનાનો દોરો આપવાની વાત કહી મહિલા સાથે શારીરિક અડપલાં કરતાં મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.     આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી વહાણવટી જ્વેલર્સમાં ખરીદી કરવા ગયેલી મહિલા સાથે જ્વેલર્સ શોપના માલિક સાકળચંદ પ્રજાપતિ નામના શખ્સે તું મને ખૂબ જ ગમે છે, તું મને શરીરસુખ માણવા દે તો હું તને દોરો મફત આપી દઈશ કહી અડપલાં કર્યા હોવાની અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ, ફરિયાદી મહિલા છેલ્લા ૧૦ વર્ષથી અમરાઇવાડીમાં આવેલી શ્રી વહાણવટી જ્વેલર્સમાંથી ખરીદી કરતી હોવાથી તેના માલિક સાંકળચંદ પ્રજાપતિને ઓળખે છે. બે-ત્રણ મહિના પહેલા ગીરવે મૂકેલી પાયલનું વ્યાજ આપવા અને સોનાની ચેન ખરીદવાની હોવાથી તેણી તેમની દુકાને ગઈ હતી. આ દરમિયાન સાકળચંદે બીજા સોનાના દોરા ઉપલા માળે હોવાનું કહી મહિલાને ઉપર લઈ ગયા, જ્યાં તેમણે પાછળથી મહિલાની છાતીનો ભાગ પકડી લીધો અને તેને કહ્યું કે, તું મને ખૂબ જ ગમે છે, તું મને શરીરસુખ માણવા દે તો હું તને દોરો મફત આપી દઈશ. આવું કહી મને બાથમાં લઈ મારા ગાલ પર ચુંબન કરી, પલંગમાં સુવાડી તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલા વેપારીને ધક્કો મારી ઊભી થઈ ગઈ અને તમને શરમ નથી આવતી એવું કહી નીચે આવી ગઈ હતી. ત્યારબાદ મહિલાએ સાંકળચંદના પુત્ર નિતીનભાઈને બાજુમાં બોલાવી હકીકત જણાવી હતી. નિતીનભાઈએ મને ધમકાવતા કહ્યું કે, જે થયું તે ભૂલી જજે અને ફરિયાદ કરીશ તો મારી નાખીશ. જેથી મહિલાએ અમરાઇવાડી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને આરોપી વેપારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:37 pm IST)