Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમદાવાદ : પાટીદાર યુવકો માટે પસંદગી મેળાનું આયોજન : ત્રણ રાજ્યોની કન્યાઓ આવશે

પાટીદાર સમાજમાં ૧૦૦૦ છોકરા સામે માત્ર ૭૦૦ છોકરી : છોકરા માટે નક્કી કરાઇ લઘુત્તમ લાયકાત

અમદાવાદ તા. ૨૩ : મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત બાદ પાટીદારો પોતાને OBC કવોટામાં સ્થાન મળે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ પાટીદારો દેશભરમાં વસેલા તેમના ભાઈબંધુઓ પાસેથી પણ મેરેજ કવોટાના પ્રયાસો કરી રહ્યા છે. પાટીદાર યુવાનોને કન્યા મળે તે હેતુથી ગુજરાત પ્રદેશ કુર્મી ક્ષત્રિય મહાસભા દ્વારા છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઓડિસાની કુર્મી કન્યાઓ ( પાટીદારોની જેમ ખેડૂત અને જમીનદાર સમાજ) માટે અમદાવાદમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

બાપુનગરમાં હરદાસ બાપુની વાડીમાં ૪થી ૭ જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ કન્યા પસંદગી મેળમાં ૫૦૦૦ પાટીદાર છોકરાઓ અને ત્રણ રાજયોમાંથી ૨૦૦ છોકરીઓનો પરિવાર ભાગ લેશે. પસંદગી પ્રક્રિયા બાદ સમગ્ર કાર્યક્રમ સમુહ લગ્નમાં પરિણમશે.

કાર્યક્રમના આયોજકોએ કહ્યું કે, રાજયમાં પાટીદાર સમાજમાં સેકસ રેશિયો ઝડપથી ઘટવાના કારણે ચાર રાજયોને એકઠા કરવાનું વિચાર આવ્યો. પટેલે જણાવ્યું કે, અમારા સર્વેમાં જાણવા મળ્યું કે પાટીદાર સમાજમાં ૧૦૦૦ છોકરાઓ સામે ૭૦૦ છોકરીઓ છે. વિકાસની દિશામાં આગળ વધવાના છોકરીઓને મોટું નુકસાન થયું છે. આર્થિક રીતે વિકાસ કરી રહેલા ગુજરાતમાં છોકરીઓનો સેકસ રેશિયો ઝડપથી નીચો આવ્યો છે, જયારે અન્ય પછાત રાજયોમાં તે વધારે છે. આપણ સમગ્ર દેશમાં કુર્મીઓ સાથે 'રોટી અને દીકરી' જેવો સંબંધ શરૂ કરવો જોઈએ.

છોકરીઓ કરતા છોકરાઓની સંખ્યા વધારે હોવાના કારણે આયોજકોએ છોકરાઓ માટે લઘુત્તમ લાયકાત નક્કી કરી છે, જે મુજબ છોકરાની ઉંમર ૨૫થી ૨૭ વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે મહિનામાં ઓછામાં ઓછા ૨૦,૦૦૦ રૂપિયા કમાતો હોવો જોઈએ. અમદાવાદમાં પોતાનું ઘર હોવું જોઈએ અને નિર્વ્યસની હોવો જોઈએ. સમાજના વડીલો છોકરાને પ્રમાણિત કરશે. ક્ષત્રિય કુર્મી મહાસભાના ધનંજય વર્માએ કહ્યું કે, દેશભરમાં વસેલા એક જ સમાજના લોકો વચ્ચે આ આદાનપ્રદાન સારું છે. છત્તીસગઢ જેવા રાજયમાં દીકરી પરણાવવા માટે ઓછામાં ઓછા ૫ લાખનો ખર્ચ થાય છે, જેથી પરિવાર આર્થિક બોજા નીચે દબાઈ જાય છે. ત્યાં દારૂની પણ સમસ્યા છે. ગુજરાતમાં દહેજ અને દારૂનું વ્યસન ખૂબ ઓછું છે.

(3:12 pm IST)