Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

આ-જા-ફસાજા જેવી વિનય શાહની કંપનીમાં ર૯૭ સભ્યોનું રોકાણ નિકળ્યું

ર૬૦ કરોડની છેતરપીંડી સામે ફકત ૪૧ લાખ જેટલી જ જાહેરાતથી આશીષ ભાટીયાને સંતોષ નથીઃલોકોને આગળ આવવા અપીલ : કૌભાંડી આરોપીની ૧૦ લાખની સ્પોટર્સ કાર સીઆઇડીએ કબ્જે કરી

રાજકોટ, તા., ૨૩: સમગ્ર ગુજરાતમાં  ચકચાર જગાવનાર ર૬૦ કરોડની વિનય શાહ દંપતી દ્વારા થયેલી છેતરપીંડીની સીઆઇડી વડા આશીષ ભાટીયાના સીધા માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ચાલતી તપાસમાં અત્યાર સુધી  સભ્યોએ ર.ર૩ કરોડનું રોકાણ કર્યુ હોવાની અને ર૯૭ સભ્યોની યાદી મળ્યાનું સીઆઇડી  સુત્રો જણાવે છે. ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયા એવું ઇચ્છે છે કે વધુને વધુ લોકો ફરીયાદ કરવા આગળ આવે તો  કેસ મજબુત થવા સાથે લોકોની પરસેવાની કમાણી પરત અપાવી શકાય.

દરમિયાન કંપનીના માલીક વિનય શાહની રૂ. ૧૦ લાખની કિંમતની ઇકો સ્પોર્ટસ ગાડી સીઆઇડીએ કબ્જે કર્યાનું જાણવા મળે છે. દરમિયાન સીઆઇડી સુત્રોના જણાવ્યા મુજબ ૧૦૦ થી વધુ એજન્ટોની માયાજાળ ભેદવાના પ્રયાસોમાં મુખ્ય એજન્ટો સુધી સીઆઇડીને પહોંચવામાં મહદ અંશે સફળતા સાંપડી છે.  મુખ્ય એજન્ટો પૈકીના એક મનાતા ડી.બી.વાળાના એકાઉન્ટમાંથી૧૦ લાખથી વધુ મળી આવ્યાનું સતાવાર રીતે જાહેર થયું છે. અત્યાર સુધી સીઆઇડીએ બે ડઝનથી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે.  જો કે ર૬૦ કરોડની છેતરપીંડી સામે અત્યાર સુધી ફરીયાદનો આંક ઓછો રહેતા ફકત ૪૦ લાખ ૩૪ હજાર ૯૦૦ ગુમાવ્યાનું બહાર આવ્યું છે.

દરમિયાન વિનય શાહના પત્ની દ્વારા સીઆઇડીના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી  પોલીસ સમક્ષ હાજર થઇ જવા અને આ માટે  વિવાદાસ્પદ વિડીયોની વાતચીત વિ. ની તપાસ માટે માંગણી કર્યાની ચર્ચાએ જોર પકડયું છે. જો કે સીઆઇડીના ટોચના અધિકારીઓએ પોતે આવી ચર્ચાઓ સાંભળ્યાનું પરંતુ તેઓને હજુ આ બાબતે સતાવાર જાણ ન થયાનું જણાવેલ.

(1:44 pm IST)