Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

હવે વડતાલ સ્વામિનારાયણ મંદિર યાત્રા ધામમાં સામેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરાઇ : વડતાલ સ્વામિનારાયણ મંદિર તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ૧૦૦ કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી

અમદાવાદ, તા.૨૩ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વામીનારાયણ તીર્થધામ વડતાલનો પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. આમ યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત વડતાલ સ્વામીનારાયણ મંદિરનો પણ અંબાજી, ડાકોર. સોમનાથ, દ્વારિકા અને પાલિતાણાની જેમ વિકાસ કરવામાં આવશે. વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે તા.૧૭થી ૨૩ નવેમ્બર સુધી કાર્તિકી પૂનમની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેને પગલે આજે મુખ્યમંત્રી રૂપાણી પણ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીની ૧૦૦ કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી હતી અને ૪૦ લાખ રૂપિયાની આ ચાંદી સ્વામીનારાયણ હોસ્પિટલના લાભાર્થે અર્પણ કરવામાં આવી હતી. આ સિવાય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડતાલધામ બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ બસ સ્ટેશનનું વડતાલ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા રૂ. ૨.૩૬ કરોડના ખર્ચે નિર્માણ કરાવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા વડતાલ સ્વામિનારાયણ મંદિરને પણ હવે પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવિષ્ટ કરવાની જાહેરાત થતાં જ ગુજરાત સહિત વિશ્વભરના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને અનુયાયીઓમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ તો મુખ્યમંત્રીના નિર્ણયને આવકાર આપી વધાવ્યો હતો.

 

(8:18 pm IST)