Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

૧૯ નવી શરાબની શોપને સૈદ્ધાંતિક મંજુરી મળી ગઈ

વાયબ્રન્ટ સમિટ પહેલા જાહેરનામું જારી થઈ શકે : ટ્યુરીઝમ સેકટરને પ્રોત્સાહન આપવા માટેનો મુખ્ય હેતુ નવી ૧૯ શોપની મંજુરી સાથે સંખ્યા વધી ૭૭ થઈ જશે

અમદાવાદ, તા.૨૩ :  ટ્યુરીઝમ સેકટરને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્ય સરકારની હાઈ પાવર કમિટીએ પ્રિમિયમ હોટલમાં ૧૯ નવી શરાબની દુકાનોને લીલી ઝંડી આપી દીધી છે. સૈદ્ધાંતિક રીતે લીલી ઝંડી આપવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૧૯માં આગામી વાયબ્રન્ટ ગુજરાત પહેલા આને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. ૧૯ નવી શરાબની દુકાનો સાથે ગુજરાતમાં શરાબની દુકાનોની સંખ્યા વધીને ૭૭ ઉપર પહોંચી જશે. ૨૦૧૪માં શરાબની જે દુકાનો હતી તેની સરખામણીમાં સંખ્યા વધીને ત્રણ ગણી થઈ ગઈ છે. વાયબ્રન્ટ સમિટ પહેલા જાહેરનામું જારી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાઈ પાવર કમિટી દ્વારા વ્યાપક વિચારણા કરવામાં આવ્યા બાદ ૧૯ નવી હોટલોમાં આ દુકાનોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. એવી ભલામણ કરવામાં આવી હતી કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હોટલ લાઈસન્સ જારી કરવામાં આવે. રાજ્યના ટ્યુરીઝમ સેક્રેટરીના નેતૃત્વમાં હાઈ પાવર કમિટી દ્વારા આ નવી ૧૯ શરાબની  શોપને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. અમદાવાદમાં આવેલી પ્રાઈડ હોટલ, ગાંધીધામમાં આવેલી એમએસ અખીલ પેલેસ હોટલ, એમએસ એવલોન હોટલ, અમદાવાદની રાયસન હોટલ, અમદાવાદની બ્રાન્ડ ૦૭, અમદાવાદની ક્રાઉન પ્લાજા અને અન્ય શ્રેણીબદ્ધ હોટલોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ તમામ હોટલોને નવી શરાબની શોપ માટે લીલી ઝંડી આપવામાં આવતા આનાથી ટ્યુરીઝમમે ચોક્કસપણે વેગ મળી શકે છે. હવે શરાબ બંધીને લઈને એકબાજુ નિયમ કઠોર બનાવી દેવામાં આવ્યા છે જ્યારે બીજી બાજુ શરાબ શોપમાં પણ વધારો થઈ રહ્યો છે. એપ્રિલ-૨૦૧૪ સુધી અમદાવાદમાં માત્ર પાંચ શરાબની શોપ હતી. જાન્યુઆરી ૨૦૧૬ સુધી આ સંખ્યા વધીને ૧૧ ઉપર પહોંચી હતી. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમની ૫૦૦ મીટરના ઘેરામાં પણ બે શોપને મંજુરી આપવામાં આવી છે. ૨૦૧૪માં આણંદમાં પણ એક શોપ હતી. મે ૨૦૧૫માં વધુ બે શોપને મંજુરી અપાઈ હતી. ૨૦૧૪માં કચ્છમાં સાત શોપ હતી અને ચારને ત્યારબાદ મંજુરી અપાઈ હતી. ગાંધીનગરમાં બે શોપ હતી અને હવે સંખ્યા વધી છે. નવા લાયસન્સ રાજકોટ, જામનગર અને ભરૂચમાં પણ છેલ્લા બે વર્ષમાં જારી કરાયા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. હોટલોને મંજુરી મળતા પ્રવાસીઓ આકર્ષિક થશે તેમ માનવામાં આવે છે.

કઈ હોટલોને મંજુરી ...

અમદાવાદ,તા. ૨૩ :  ૧૯ નવી શરાબ શોપને લીલી ઝંડી મળી ગઈ છે. કઈ હોટલોને મંજુરી મળી તે નીચે મુજબ છે.

  • દ પ્રાઈડ હોટલ, અમદાવાદ
  • એમએસ અખિલ પેલેસ હોટલ પ્રા.લિ., ગાંધીધામ
  • એમએસ એવલોન હોટલ, અમદાવાદ
  • રાયસન હોટલ, અમદાવાદ
  • ગ્રાન્ડ ૦૭ લેસર પ્રાઈવેટ ક્લબ, અમદાવાદ
  • ક્રાઉન પ્લાજા, અમદાવાદ
  • ક્લાઉડ હોટેલ યુનિટ ઓફ કાર્ગો મોટર્સ, અમદાવાદ
  • કમ્ફોર્ટ હોસ્પિટાલિટી પ્રા.લિ. અમદાવાદ
  • હોટલ શિલ્પી હિલ રિસોર્ટ, સાપુતારા
  • અકર હોટલ, સાપુતારા
  • હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક, અમદાવાદ
  • ઇસકોન હોટલ્સ, ભાવનગર
  • સ્ટોકહેમ, સાણંદ, અમદાવાદ
  • ફેર્ન, અમદાવાદ
  • હોટલ સિલવર ક્લાઉડ, અમદાવાદ
  • શિવનોટીકા, મુંદ્રા
  • હયાત રેજન્સી, અમદાવાદ
  • અમિધારા રિસોર્ટ, જુનાગઢ
  • એફસી સરોવર પોર્ટીકા, ભાવનગર
(9:42 pm IST)