Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સરકારની મહત્વાકાંક્ષી અન્નપૂર્ણા યોજના હવે 'મૃત્યુશૈયા' ઉપર!

બાંધકામ શ્રમિકોને માત્ર ૧૦ રૂપિયામાં ભોજન

અમદાવાદ તા. ૨૩ : તામિલનાડુમાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ શરૂ કરેલી 'અમ્મા કેન્ટીન'માંથી પ્રેરણા લઇ ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને માત્ર દસ રૂપિયામાં બપોરનું ભોજન આપવા માટે રાજયના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગયા વર્ષથી શરૂ કરાયેલી રાજય સરકારની મહત્ત્વાકાંક્ષી 'અન્નપૂર્ણા યોજના'માં લાભાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઇ છે. પરિણામે મોટી જાહેરાતો પછી શરૂ થયેલી આ યોજના ટૂંકા ગાળામાં જ મૃત્યુશૈયા ઉપર પહોંચી હોય તેવો ભાસ થઇ રહ્યો છે.

રાજયમાં 'અન્નપૂર્ણા યોજના ના ૧૧૯ જેટલા કેન્દ્રો ઉપર રોજ એક સમયે ૨૨ થી ૨૪ હજાર શ્રમિકો બપોરના ભાણાંનો લાભ લેતા હતા, તે સંખ્યા અત્યારે ઘટીને માંડ ૨,૩૦૦ ઉપર પહોંચી ગઇ છે. જો કે બચાવ એવો થઇ રહ્યો છે કે, દિવાળી પર્વ ઉપર બાંધકામ મજૂરો તેમના વતનમાં જતાં હોઇ લાભાર્થીઓની સંખ્યા અત્યારે ઘટી છે.

આ બચાવ- દલીલ સામે દરેક કેન્દ્ર ખાતે કોન્ટ્રાકટર- એજન્સીના માણસોની સંખ્યા મોટા પ્રમાણમાં પણ ઘટી છે, તે ય હકીકત છે. આઉટસોર્સિગથી રખાયેલા માણસો ઓછા થયા છે, થઇ રહ્યાં છે.

સૂત્રો એવું પણ કહે છે કે, શ્રમિકોને અપાયેલા ઓળખકાર્ડ યાને 'લાલ ચોપડી'ના નિયમો જડ બનાવી દેવાતાં, પણ લાભાર્થીઓ ઘટી ગયા છે, જેમ કે અગાઉ 'લાલ ચોપડી'માં કુટુંબમાં જેટલા સભ્યો હોય તેમના માટે એક જ વ્યકિત ટિફિન લઇ જઇ શકતી હતી, પણ હવે જેમને જમવાનું જોઇતું હોય તેમને કેન્દ્ર સુધી આવવાનું ફરજિયાત બનાવી દેવાયું છે.ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત ચલાવાતી અન્નપૂર્ણા યોજનાના દરેક કેન્દ્ર ઉપર કોન્ટ્રાકટ ધરાવનારી એજન્સી તરફથી અત્યાર સુધી ૨ કૂપન ઓપરેટર, ૨ પીરસવાવાળા અને ૧ ચોકીદાર રખાતા હતા. આમાંથી કૂપન ઓપરેટર ૨ પૈકી ૧ ને દિવાળી પહેલાં છૂટા કરી દેવાયા છે, જયારે પહેલી ડિસેમ્બરથી ૨ પૈકી ૧ પીરસવાવાળાની પણ છટણી થવાની છે. આને લઇને શ્રમ અને રોજગાર વિભાગમાં એવી મજાક થઈ રહી છે કે, રોજગાર આપવાને બદલે વિભાગ જ માણસોને છૂટા કરી રહ્યો છે.

(11:25 am IST)