Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ડર કે નારાજગી ? મુસ્‍લિમ વિદ્યાર્થીઓની ઓળખ કેમ કરી રહી છે ગુજરાત સરકાર ?

ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપવા માટે બેસતા વિદ્યાર્થીઓ પાસે ભરાવવામાં આવતા ફોર્મમાં લઘુમતી સમુદાયની પસંદગી કરવા પર બે વિકલ્‍પ મળે છે મુસ્‍લિમ કે અન્‍ય ? : બોર્ડ પરીક્ષાના ફોર્મમાં ધર્મવાળા કોલમને માત્ર બે હિસ્‍સામાં વહેંચવામાં આવેલ છે કે જ્‍યારે ગુજરાતમાં ૭ લઘુમતી સમુદાય રહે છેઃ આ ગતકડાને કારણે મુસ્‍લિમ વિદ્યાર્થીઓમાં ડર અને નારાજગી

અમદાવાદ, તા. ૨૩ : ગુજરાતમાં ૭ લઘુમતી સમુદાય રહે છે. આમ છતા બોર્ડ પરીક્ષાના ફોર્મમાં ધર્મવાળી કોલમને માત્ર ૨ ભાગમાં વહેંચવામાં આવેલ છે. મુસ્‍લિમ કે અન્‍ય. આના લઈને વિદ્યાર્થીઓના મનમાં અનેક પ્રકારની શંકાઓ જાગી છે. રાજ્‍ય સરકારનુ કહેવુ છે કે ફોર્મ ૨૦૧૩થી બદલવામાં નથી આવ્‍યુ તો, સોશ્‍યલ એકટીવીસ્‍ટો એટલે કે સામાજિક કાર્યકરો સવાલ ઉઠાવે છે કે આવો ડેટા મેળવવાની જરૂર કેમ પડી રહી છે. આના લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં નારાજગી તો કેટલાકમા ડર છે. એવો સવાલ ઉભો થાય છે કે ગુજરાત સરકાર શા માટે મુસ્‍લિમ સમાજને તેઓના ધર્મની ઓળખ કરવા જણાવી રહી છે.

ધો. ૧૦ અને ૧૨માં બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયાર વિદ્યાર્થીએ ફોર્મમાં લઘુમતી સમુદાયની પસંદગી કરવા પર બે વિકલ્‍પ મળે છે. લઘુમતી પર હા કરવાની સાથે જ ઓનલાઈન ફોર્મ પુછે છે પ્‍લીઝ સિલેકટ જ્‍યાં ફકત બે વિકલ્‍પ મળે છે મુસ્‍લિમ કે અન્‍ય ?

ખાસ વાત એ છે કે ગુજરાતમાં ઓછામાં ઓછા ૪ અન્‍ય લઘુમતી સમુદાય રહે છે. જેમાં ખ્રિસ્‍તી, શીખ, બૌદ્ધ અને રાજ્‍યમાં સૌથી અસરકારક અને શ્રીમંત જૈન સમુદાય સામેલ છે. ફોર્મમાં ફકત એવુ પૂછવા પર ભાર મુકાય છે કે પરીક્ષામાં બેસનાર લઘુમતી સમુદાયનો વિદ્યાર્થી મુસ્‍લિમ છે કે નહિ ? ગુજરાતમાં સ્‍ટેટ બોર્ડ પરીક્ષા ગુજરાત સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી એજ્‍યુકેશન બોર્ડ કરાવે છે.

સામાન્‍ય રીતે આ ફોર્મ સ્‍કૂલ દ્વારા ભરાવવામાં આવે છે. ધો. ૧૨ના એક વિદ્યાર્થીના પિતાએ ખુદ ફોર્મ ભરવાનો પ્રયાસ કર્યો તો તેમણે આ વાત જાહેર કરી હતી. તેમણે પોતાની ઓળખ છૂપાવવાની શરતે કહ્યુ હતુ કે હું પુત્રનું ફોર્મ ભરવા માટે સ્‍કૂલ ગયો હતો કારણ કે આ ફોર્મ સ્‍કૂલ જ ભરે છે. મેં જોયુ કે તેમા મુસ્‍લિમ કે અન્‍ય પૂછાયુ છે. મને આની જરૂરીયાત સમજમા ન આવી. સાથોસાથ મનમાં ડર પણ બેસી ગયો કે આ ડેટાનો ખોટો ઉપયોગ થઈ શકે છે.

એક અન્‍ય છાત્રના પિતા કે જે રેસ્‍ટોરન્‍ટ ચલાવે છે તેમનુ કહેવુ છે કે હું ડરી ગયો છું. ૨૦૦૨ પહેલા આવી જ રીતે ગુજરાત સરકારે પોલીસ પાસેથી જે તે વિસ્‍તારના મુસ્‍લિમ વેપારીઓ અને તેમની દુકાનોની વિગતો મેળવી હતી. મારા રેસ્‍ટોરન્‍ટની ઓળખ થયા બાદ તેને સળગાવી દેવાયુ હતું. બાદમાં જણાયુ હતુ કે, તોફાની તત્‍વોએ એ ડેટાનો ઉપયોગ કર્યો હતો જે પોલીસે મેળવેલ હતો. તેમણે કહ્યુ હતુ કે, હું મારા પુત્ર માટે ડરી ગયો છું. સરકાર શા માટે જાણવા માગે છે કે વિદ્યાર્થી મુસ્‍લિમ છે કે નહિ ?

સ્‍કૂલનું મેનેજમેન્‍ટ પણ માને છે કે આ પ્રકારના ડેટા કલેકશનથી ખોટો સંદેશ જઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓને તે અનુકુળ નથી. બે સ્‍કૂલના પ્રિન્‍સીપાલનું કહેવુ છે કે આ બાબત ચોંકાવનારી છે અને સરકારે આવા કોઈ પગલાથી દૂર રહેવુ જોઈએ. ખાસ કરીને જ્‍યારે મુસ્‍લિમ વિરોધી હોવાને લઈને ટીકા થઈ હોય.

વડગામના ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણીએ આ બાબતને ગેરબંધારણીય ગણાવી છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે એક તરફ ભાજપ એકતા અને રાષ્‍ટ્રવાદનો ઉલ્લેખ કરે છે અને બીજી તરફ પોતાની વિભાજન આધારીત નીતિ બતાવે છે.

 

(11:19 am IST)