Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ટેકાના ભાવે ૯૩૧૦ લાખની મગફળીની કરાયેલી ખરીદી

૧૮૬૨૦૦ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈઃ આજથી ક્રમાનુસાર વધુમાં વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવા માટે માટેની તૈયારી : સરકાર રાહત આપશે

અમદાવાદ,તા.૨૨: રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ થી ૨૨ નવેમ્બર સુધીમાં રાજ્યભરમાં ૯૨૮૬ ખેડૂતો પાસેથી રૂ.૯૩૧૦ લાખની ૧,૮૬,૨૦૦ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા તા. ૧લી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નોંધણીના  ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૨૨/૧૧/૨૦૧૮ સુધીમાં રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૯૨૮૬ ખેડૂતો પાસેથી કુલ ૯૩૧૦ લાખની કુલ ૧,૮૬,૨૦૦ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી હતી. યાદીમાં જણાવ્યા મુજબ ખરીદ કેન્દ્રો ખાતે પૂરતી સંખ્યામાં બારદાન, વજનકાંટા તથા ખરીદી પ્રક્રિયા માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે અને તા.૨૩/૧૧/૨૦૧૮થી ક્રમાનુસાર વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે.

(10:08 am IST)