Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વિધાનસભામાં પાટીદાર અનામત બીલ રજુ કરો : ભાજપના નેતા રેશ્મા પટેલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પાઠવ્યો પત્ર

હાર્દિક પટેલ દ્વારા ઓબીસી કમિશનની મુલાકાત મોડું પરંતુ સાચી દિશાનું પગલું

ગાંધીનગર : પાટીદાર અનામત સમિતિ છોડીને ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્ધારા ઓબીસી કમીશનની કરાયેલી મુલાકાતને સાચી દિશાનો પ્રયાસ ગણાવતા કોંગ્રેસને વિધાનસભામાં પ્રાઇવેટ બીલ રજુ કરવા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે.

 એક સમયે પાસના કન્વીનર અને ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પાટીદારોને ઓબીસી અનામતનો લાભ આપવા કોંગ્રેસને બીલ રજુ કરવા વારંવાર કહેવામાં આવ્યું છે. રેશમાએ કહ્યું કે, કોગ્રેસના પ્રદેશ પ્રમુખને પણ પત્ર લખી ચુકી છું. પરંતુ તે બંને તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કોંગ્રેસના પ્રવક્તા તેમજ નહિ જાહેર કરાયેલા પ્રવકતાઓ મારી આ વાતનો વિરોધ કરે છે કે, કોંગ્રેસ આ બીલ કેમ રજુ કરે..?

 રેશમા પટેલે કહ્યું કે મને આજે આંનદ છે કે, હાર્દિક પટેલ દ્ધારા કોંગ્રેસને આ બીલ રાખવાની વાત કરી છે. આ ઉપરાંત હાર્દિક પટેલ દ્ધારા આજે ઓબીસી કમીશનની કરાયેલી મુલાકાત તે મોડા મોડા પણ સાચી દિશાનો પ્રયાસ છે. તેણે કહ્યું કે, પાટીદાર સમાજને અનામત મળવાના મુદ્દે તે પહેલા પણ સાથે હતી અને હમેશા સાથે રહેશે. જયારે કોંગ્રેસ દ્ધારા રેશમા પટેલના આ નિવેદન અંગે પ્રતિભાવ આપતા જણાવાયું છે કે, રેશમા પટેલમાં સમજ જ નથી. કોંગ્રેસ દ્ધારા ગુજરાત વિધાનસભામાં બીલ રજુ કરવામાં આવેલું જ હતું. પરંતુ ભાજપ સરકાર દ્ધારા તેને ફગાવી દેવામાં આવ્યું હતું. રેશમા પટેલે તેનો અભ્યાસ કરીને નિવેદન કરવા જોઈએ.

(7:40 pm IST)