Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

હાર્દિક પટેલના વલણથી ખુબ દુખ તેમજ ક્ષોભની લાગણી છે

હાર્દિકે સર્વે પાટીદારોને નીચે જોવડાવ્યું છે : પાટીદાર સમાજ તેની બાપીકી જાગીર છે તેમ જ સમજીને હાર્દિક વર્તી રહ્યો છે જે બાબત દુખદ :કચ્છી કડવા સમાજ

અમદાવાદ, તા. ૨૩ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે દિવસ રહ્યા નથી ત્યારે પાટીદાર સમુદાયમાં પણ કેટલાક વર્ગ અને સંસ્થામાં હાર્દિક પટેલને લઇને નારાજગી છે. હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કર્યા બાદથી આ સંસ્થાઓના પાટીદાર સમુદાયના લોકો નાખુશ દેખાઈ રહ્યા છે. હવે આ સંદર્ભમાં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, યલહંકા,  બેંગ્લોર અને દેવનહલ્લી પાટીદાર સનાતન સમાજ ટ્રસ્ટ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પત્ર લખીને કેટલીક બાબતો અંગે વાત કરી છે. કડવા પાટીદાર સનાતન સમાજે કહ્યું છે કે, ગુજરાતમાં હાર્દિક પટેલના પરાક્રમોથી અમને દુખની સાથે સાથે ક્ષોભ પણ થયું છે. હાર્દિક પોતાને પાટીદાર કહેવાડે છે તે ખરુ કહીએ તો પાટીદાર જ્ઞાતિ ઉપર એક કલંક છે. તેના કારણે પાટીદારોનો જ નહીં બલ્કે વિશ્વભરના ગુજરાતીઓને કલંક લાગ્યું છે. હજુ સુધી અમને તમામ પાટીદારો અને ખાસ કરીને કચ્છી પાટીદારો હંમેશા અયાચક્ર વૃત્તિ અને મફતનું લઇ નહીંમાં માનનાર હોવાથી કોઇ દિવસ કોઇની સામે હાથ ફેલાવ્યો નથી. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખવાવાળા અમે લોકો છીએ. હાર્દિકનું વલણ જોતા દુખ થયું છે. હાર્દિક એમ વર્તી રહ્યો છે કે, ગુજરાત અને ભારતભરના પાટીદાર સમાજો તેની બાપીકી જાગીર છે. હાર્દિકને આવા અધિકારો કોણે આપ્યા છે તે અમારા સમજ બહારની વાત છે. આજ કારણસર દક્ષિણ કર્ણાટકના પાટીદાર પરિવાર લોકોએ નિર્ણય કર્યો છે કે, હાર્દિક સાથે અમારે કોઇ લેવા દેવા નથી. બીજી બાજુ દેવનહલ્લી પાટીદાર સનાતન સમાજ ટ્રસ્ટે પણ આવી જ પ્રતિક્રિયા આપી છે. તેની પ્રતિક્રિયામાં જણાવાયું છે કે, સર્વે પાટીદારોને નીચું જોવડાવ્યું છે. કચ્છી પાટીદારો છેલ્લા ૬૦-૭૦ વર્ષથી બેંગ્લોરમાં રહે છે. સ્થાનિક પ્રજામાં અમારી ખુબ સારી પ્રતિષ્ઠા છે પરંતુ હાર્દિકના પ્રકરણના કારણે સ્થાનિક લોકો અમને શંકાની નજરે જોઇ રહ્યા છે. ગુજરાત તથા ભારતભરના પાટીદાર સમાજો સમજીને આગળ વધે તે જરૃરી છે.  દેવનહલ્લી પાટીદાર સમાજ તરફથી જણાવવામાં આવ્યું છે કે, સર્વે કચ્છી કડવા પાટીદારો ભાજપની પડખે ઉભા છે અને રહેશે. ગુજરાત ચૂંટણી વખતે પણ જે કંઇપણ જવાબદારી સોંપાશે તે અદા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતિ સાથે સરકાર બનાવશે તેવો વિશ્વાસ કર્ણાટકમાં રહેતા કચ્છ કડવા પાટીદારો દ્વારા વ્યક્ત કરાયો છે.

 

(8:23 pm IST)