Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ નજીક ટ્રકને ઝડપી 6816 બોટલ દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો

ધાનેરા:તાલુકાની નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન ધાનેરા પોલિસને એક મોટી સફળતા મળી હતી. રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ભરીને પ્રવેશ કરતી એક ટ્રક ઝડપી પાડી હતી અને તેમાંથી ૬૮૧૬ બોટલ દારુ મળી આવ્યો હતો. 

રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અપનાવવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા પોલીસ દ્વારા દિવાળીનો તહેવાર આવતો હોવાથી તમામ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ માટે ખાસ આદેશ અપાયા હતા. ત્યારે ધાનેરા પોલીસની ટીમ નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી ત્યારે રાજસ્થાન તરફથી આવતા એક ટ્રકને રોકાવી તપાસ કરતાં કાળીંગડાના બીજડાના ભુક્કો ભરેલા પ્લાસ્ટીકના કટ્ટાની આડમાં દારુની પેટીઓ મળી આવી હતી. વિદેશી દારુની ૨૯૩ પેટીમાંથી ૬૮૧૬ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. ૧૩,૬૪,૮૨૦ તથા ડ્રાઇવર પાસેથી મોબાઇલ નંગ-૧ કિ. રુ. ૫૦૦૦ અને ગાડીની કિમત રૂ.૧૦,૦૦,૦૦૦ એમ કુલ મળીને  રૂ.૨૩,૬૯,૮૨૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ટ્રકના ચાલક  બળવંતરામ પુરખારામ છોગારામ બિશ્નોઇ રહે. ગોદારાકી ઢાણી ખારા, તા. ફલોદી, જી. જોધપુર (રાજ.) વાળાને જેલના હવાલે કર્યો હતો. નેનાવા ચેકપોસ્ટ ઉપરથી ૧૩.૬૪ લાખનો દારુ પકડયો છે અને આરોપી પણ પકડી લીધેલ છે. આ દારુ ક્યાંથી ભરવામાં આવેલ અને ગુજરાતમાં ક્યાં ઉતારવાનો હતો તે બાબતે તપાસ કરાશે.

(5:26 pm IST)