Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વાહન અને લાયસન્‍સ સંબંધિત કેશલેસ અને નોન કેશલેસ અરજીઓનો તાત્‍કાલીક નિકાલ કરવા રાજ્‍યના વાહન વ્‍યવહાર કમિશનરની આરટીઓને તાકીદ

અમદાવાદ: વાહન અને લાયસન્સ સંબંધિત સેવાઓ ફેશલેશ અને નોન ફેશલેશ સ્વરૂપે અરજદારો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અરજીઓનો વહેલી તકે નિકાલ કરવા રાજ્યનાં વાહન વ્યવહાર કમિશ્નરે રાજ્યની તમામ RTOને તાકીદ કરી છે. બિનજરૂરી વિલંબ દાખવવામાં આવશે તો જવાબદાર અધિકારી/કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી આપી છે.

કોવીડ 19ને લઇને રાજ્યનાં વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજુ દ્રારા રાજ્યમાં વાહન અને લાયસન્સ સંબંધિત સેવાઓ ફેશલેશ અને નોન ફેશલેશ સ્વરૂપે અરજદારો માટે ઉપલબ્ધ કરાવી છે. આ અરજીઓની સંખ્યાના પ્રમાણમાં વધારો થતાં અરજીઓના નિકાલમાં પણ વિલંબ થાય નહીં તે માટે વેરીફીકેશન, એપ્રુવલની કામગીરી અંગે દરેક આરટીઓને સૂચના જારી કરી છે. આ અંગે 10મી જાન્યુઆરીના રોજ સરકીટ હાઉસ, અમદાવાદ ખાતે રાજ્યનાં દરેક આરટીઓ/એઆરટીઓ સાથે બેઠક પણ યોજી હતી.

આ બેઠકની કાર્યવાહી મુજબ વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી. તે મુજબ વેરીફીકેશનની કામગીરી કારકુન કક્ષાએ એટલે કે જુનિયર કલાર્ક, સીનિયર કલાર્ક અને હેડ કલાર્ક કક્ષાએ કરવાની રહેશે. જ્યારે વેરીફાય થયેલી અરજીઓની મંજુરીની કામગીરી સુપરવાઇઝરી અધિકારીઓ તરીકે સહાયક મોટર વાહન નિરીક્ષક, મોટર વાહન નિરીક્ષક, એ.આર.ટી.ઓ તથા આર.ટી.ઓએ કરવાની રહેશે. આ સૂચનાની અમલવારી માટે અરજીના પ્રકાર પ્રમાણે સંબંધિત આરટીઓ તથા એઆરટીઓએ તાલિમ ગોઠવવાની રહેશે તેમ પણ જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું છે કે, જો આ તાલીમમાં વિગતવાર સમજણ આપવાનું રહેશે. જેથી અરજીઓના નિકાલમાં બિનજરૂરી વિલંબ, ઓનહોલ્ડ તથા રિવર્ટના કિસ્સાંઓ બને નહીં. જો અયોગ્ય રીતે વિલંબ, ઓનહોલ્ડ અને રિવર્ટના કિસ્સાં બનશે તો સંબંધિત કર્મચારી/અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

કેટલાં લાયસન્સ ઇસ્યુ થાય છે?

રાજ્યમાં સરકારી આંકડા તપાસીએ તો 2018/19માં કુલ 15.9 લાખ કુલ લાયસન્સ નીકળ્યાં હતાં. તેમાંથી 7.83 લાખ કાચા લાયસન્સ નીકળ્યા હતા. જેમાં 11 ટકાનો વધારો થયો હતો. જયારે 14.48 લાખ પાકા લાયસન્સ નીકળ્યાં હતાં. તેમાં 15 ટકાનો વધારો નોંધાયો હતો. જયારે પ્રોફેશનલ લાયસન્સ 1.42 લાખ નીકળ્યાં હતાં. ટકાવારીની દ્દ્ષ્ટિએ આ લાયસન્સમાં 3 ટકાનો વધારો થવા પામ્યો હતો.

(4:53 pm IST)