Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

માતાજીની આરતી બાદ તાનમાં આવીને ગરબા રમવું ભારે પડ્યું: પોલીસે બે ગુના નોંધ્યા

અમદાવાદ,તા.૨૩: કોરોના મહામારીને કારણે સરકારે ફ્લેટમાં કે સોસાયટીમાં માત્ર આરતી કરવાની મંજૂરી આપી છે. ગરબા રમવા પર પ્રતિબંધ હોવા છતાંય કેટલાક લોકો નિયમોને નેવે મૂકીને તેમના શોખ પૂરા કરી લોકોને નુકશાન પહોંચાડી રહ્યાં છે. એવો જ એક કિસ્સો રાણીપમાં બન્યો હતો. એક ફ્લેટમાં કેટલાક લોકો આરતી પૂરી થયા બાદ તાનમાં આવી ગયા હતા અને ગરબે દ્યૂમવા લાગ્યા હતા. જેથી એક સ્થાનિક વ્યકિતએ પોલીસને જાણ કરી હતી. જે બાદમાં પોલીસ બે લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો. બાદમાં બંને શખ્સોએ પોલીસને જાણ કરનાર વ્યકિતની પુત્રીને ધમકી આપી કે તેમના પિતા દારૂ પીશે ત્યારે હવે તે લોકો પણ પોલીસને જાણ કરશે. જેથી મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

રાણીપમાં આવેલા પિન્કસીટી એપાર્ટમેન્ટમાં હેતલબેન દવે તેમના માતાપિતા સાથે રહે છે. ગત તા. ૧૯મીના રોજ દવે પરિવાર ઘરે હાજર હતો. ત્યારે સંધ્યાકાળના સમયે તેમના ફ્લેટમાં નવરાત્રી નિમિત્ત્।ે માતાજીની આરતી થઈ રહી હતી. આરતી પૂર્ણ થયા બાદ સહુ કોઈ પ્રસાદ લઈને નીકળતા હતા તેવામાં જ ત્યાં કેટલાક લોકોએ ગરબા રમવાનું શરૂ કરી દીધું હતું.

મહામારીને કારણે સરકારે ભેગા થઈને ગરબા રમવા પર પ્રતિબંધ લાઘો હોવાથી હેતલબેનના પિતાએ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જેથી રાણીપ પોલીસ તત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. જેથી બધાએ ગરબા રમવાનું બંધ કરી દીધું હતું. બાદમાં બીજા દિવસે આ ફ્લેટમાં રહેતા સુરેશભાઈએ આ મહિલાને ધમકી આપી કે તારા પિતાને પોલીસને ફોન કરવાનો બહુ શોખ છે, હવે તે દારૂ પીશે ત્યારે અમે પણ પોલીસને જાણ કરીશું.

(3:17 pm IST)