Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે આવેલ હાઈસ્કૂલ પાછળ ગટરના પાણી ઉભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે આવેલ નવી અંજુમન હાઈસ્કુલ પાછળના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી ગટરના પાણી અને વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને આ વિસ્તારમાંથી અવર-જવર કરવામાં ભારે હેરાનગતિ કરવી પડે છે. 

મુશળધાર વરસાદ વરસતા જ આ વિસ્તાર ગામથી સંપર્ક વિહોણો બને છે ત્યારે પાણીના નિકાલ અંગે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

વધુમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ ભાલેજ ગામે આવેલ નવી અંજુમન હાઈસ્કૂલ પાછળના રહેણાંક વિસ્તારમાં ચોમાસાની સિઝનને લઈ મસમોટો ખરાબો ખાડો પડી ગયો છે. આ ખાડામાં ગટરના પાણી તેમજ વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશોને બહાર નીકળવામાં ભારે તકલીફ પડી રહી છે. રહીશોને બહાર નીકળવા માટે એકમાત્ર મુખ્યમાર્ગ હોઈ ખરાબા ખાડાના કારણે વરસાદી પાણી ભરાતા ભારે વરસાદ થતાં જ સ્થાનિકો ગામથી સંપર્ક વિહોણા બની જાય છે. ખાડામાં ગટરના પાણી તેમજ વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છર તથા ઝેરી જીવજંતુનો ઉપદ્રવ બેફામ બન્યો છે. જેને લઈ સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય વ્યાપ્યો છે. સોસાયટીમાં અવર-જવર કરવા માટેનો મુખ્યમાર્ગ ખાડામાં હોવાના કારણે ચોમાસા ટાંણે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે. કોરોના મહામારી વચ્ચે ગટરના ગંદા પાણીને લઈ પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ પણ સ્થાનિકોને સતાવી રહી છે ત્યારે સ્થાનિકોને નડતી આ હાલાકીનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે.

(6:14 pm IST)