Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામ નજીક ફાર્મહાઉસમાં ધમધમતી દારૂની મહેફિલ પર પોલીસના દરોડા: પાર્ટી કરતા 35 મિત્રો રંગે હાથે ઝડપાયા

વડોદરા:વાઘોડિયા તાલુકાના જરોદ ગામ નજીક આવેલા જયદીપ ફાર્મહાઉસમાં દારૃની મહેફિલ માણવા બેઠેલા ૩૫ નશેબાજોને વાઘોડિયા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે ફાર્મહાઉસના માલિકને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. પોલીસે ફાર્મહાઉસને ચોતરફથી ઘેરીને અચાનક રેડ પાડતા નશેબાજોનો નશો ઉતરી ગયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા પોલીસ સ્ટેશનનાં જરોદ આઉટપોસ્ટના જમાદારને માહિતી મળી હતી કે, જરોદ ગામના રાહકુઇ ગામની સીમમાં આવેલા રજનીકાંત અમૃતલાલ જયસ્વાલના જયદીપ ફાર્મહાઉસમાં કેટલાક લોકો ભેગા થઇને દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી પંચોને સાથે રાખી પોલીસે ફાર્મહાઉસમાં રેડ પાડી હતી. ફાર્મહાઉસમાંથી કોઇ નશેબાજો ભાગી જાય તે માટે પોલીસ જવાનોને ચારે તરફથી ફાર્મહાઉસને કોર્ડન કરી લીધું હતું. પોલીસની એન્ટ્રી થઇ ત્યારે મહેફિલ લગભગ પૂરી થઇ ગઇ હતી અને કેટલાક નશેબાજ નશાની હાલતમાં મોટે મોટેથી વાતો કરતા હતા. જ્યારે કેટલાક લથડિયા ખાતા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ૨૫.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(5:46 pm IST)