Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કેન્દ્રીયમંત્રી દિલીપ ઠાકોરની પુત્રવધૂએ પતિ,સાસુ અને સસરા સામે શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનો લગાવ્યો આક્ષેપ

પુત્રીનો જન્મ થતા સાસરિયાનો ત્રાસ :સસરા મંત્રી હોવાના કારણે પોલીસ ફરિયાદ ન લેતી હોવાથી પત્રકાર પરિષદ યોજી

 

દિયોદરઃ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની પુત્રવધુ જૂમાબહેને પતિ, સાસુ અને સસરા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાના આક્ષેપ લગાવ્યા છે. તેણે જણાવ્યું છે કે,પુત્રીનો જન્મ થતાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સસરા મંત્રી હોવાના કારણે પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાને કારણે પત્રકાર પરિષદ યોજી હતી. 

  પુત્રવધુએ આરોપ લગાવ્યો છે કે, છૂટાછેડા લેવા માટે તેના સસરા દિલીપ ઠાકોર અને તેમના પુત્ર મિતેશ સતત ધમકીઓ આપી રહ્યા છે. આ અંગે પોલીસમાં ફરિયાદ કરી પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. આથી અમે દિયોદર કોર્ટમાં ફરિયાદ કરી છે.

  એક તરફ રાજ્ય સરકાર પુત્રીના જન્મના વધામણાની વાતો કરે છે ત્યારે તેમના જ મંત્રીના ઘરે પુત્રીજન્મને કારણે પુત્રવધુ પર ત્રાસ ગુજારવાનો આક્ષેપ થયો છે. દિલીપ ઠાકોરની પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, મંત્રીના પુત્ર મિતેશે અગાઉ પણ 3  લગ્ન કર્યાં છે. અને ત્રણેય વખત પુત્રીજન્મ થતાં ત્રણેય પુત્રવધુઓને પુત્રી સાથે કાઢી મુકવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન મળતાં જૂમાબાનના પરિવારે હવે પછી બનાસકાંઠામાં મંત્રી દિલીપ ઠાકોર જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં જઈને તેમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

(11:32 pm IST)