Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

દિવ્યાંગ નોર્મલ જિંદગી જીવે તે જરૂરી : સુધા ચંદ્રનનો મત

રોલમોડેલ, અભિનેત્રી સુધા ચંદ્રન શહેરમાં: અભિનેત્રી સુધા ચંદ્રને દિવ્યાંગોને આપેલી ઉપયોગી ટિપ્સ

અમદાવાદ,તા.૨૨: સમાજમાં દિવ્યાંગ બાળકો કે વ્યકિતઓ કોઇનાથી કમ નથી હોતા. તેઓ ઉલ્ટાનું તેઓને કુદરતી આશીર્વાદ પ્રાપ્ત હોય છે. દિવ્યાંગ વ્યકિતઓએ હિંમત હાર્યા વિના પરિસ્થિતિ સામે ઝઝુમી ભરપૂર આત્મવિશ્વાસ સાથે નોર્મલ લાઇફ જીવવી જોઇએ. ખાસ કરીને સમાજ અને દિવ્યાંગ બાળક કે યુવક-યુવતીના માતા-પિતાએ પોતાના સંતાનને બહુ જ હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડી તેની કારકિર્દીના ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપી કુદરતની કારમી થપાટને અવસરમાં પરિવર્તિત કરી નાંખવી જોઇએ. આ માટે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (બીએમવીએસએસ) સંસ્થા દ્વારા દિવ્યાંગોને વિનામૂલ્યે વિશ્વભરમાં અપાતા કૃત્રિમ પગ (જયપુર ફુટ) અનોખા આશીર્વાદ સમાન બની રહે છે, તેણી પોતે પણ જયપુર ફુટથી જ જીવનમાં સફળતાના શિખરો સુધી પહોંચી છે. બીએમવીએસએસની આ અનોખી સેવાકીય પ્રવૃત્તિ અવર્ણનીય, અત્યંત સરાહનીય અને અદ્ભુત સેવાકાર્ય છે એમ અત્રે જાણીતી અભિનેત્રી અને દિવ્યાંગો માટે રોલમોડેલ સુધા ચંદ્રને જણાવ્યું હતું. બીએમવીએસએસ સંસ્થાના દસ વર્ષની પૂર્ણાહુતિની ઉજવણી નિમિતે શાહીબાગમાં સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિયલ હોલ ખાતે આયોજિત  ખાસ કાર્યક્રમમાં જાણીતી કલાસીકલ ડાન્સર સુધા ચંદ્રને વિશેષ રૂપે ભરતનાટયમનું અદ્ભુત પરફોર્મન્સ આપ્યું હતું. આ પ્રસંગે તેણીની સાથે અન્ય  ૩૦ જેટલા દિવ્યાંગ ભાઇ-બહેનો પણ પરફોર્મન્સમાં જોડાયા હતા. જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રને દિવ્યાંગોનું નૈતિક મનોબળ વધારતાં જણાવ્યું હતું કે, તેણી ૧૩ વર્ષની હતી અને એક અકસ્માતમાં તેણીએ પગ ગુમાવ્યો, એ પછી તેણી પણ ભયંકર હતાશા અને માનસિક આઘાતના તબક્કામાંથી પસાર થઇ હતી પરંતુ એ  દરમ્યાન ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (બીએમવીએસએસ) સંસ્થા દ્વારા રજૂ થયેલા કૃત્રિમ પગ(જયપુર ફુટ) તેના જીવનમાં આવ્યા અને તેના સહારે નૃત્યકલામાં આગળ વધવાનો મક્કમ નિર્ધાર તેણે વ્યકત કર્યો. તેના જીવનના આ મહત્વના નિર્ણયમાં તેણીના માતા-પિતાએ તેણીને ભરપૂર સાથ અને પ્રોત્સાહન આપ્યા. એ પછી જીવનમાં આજે તેણી સફળતાના શિખરો સુધી પહોંચી શકી. મારી જેમ જ દરેક દિવ્યાંગ વ્યકિત સફળ થઇ શકે છે અને જીવનમાં તે જે વિચારે તે મુકામ હાંસલ કરી શકે છે બસ જરૂર છે માત્ર આત્મવિશ્વાસ અને મક્કમ નિર્ધાર સાથે આગળ વધવાની. આ પ્રસંગે બીએમવીએસએસના સ્થાપક અને પદ્મભૂષણ શ્રી ડી.આર.મહેતા અને સંસ્થાના મોભી લલિતભાઇ જૈને જણાવ્યું હતું કે, દિવ્યાંગોને  જયપુર ફુટના કૃત્રિમ પગ વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવી તેમને નવજીવન બક્ષતી આ સંસ્થા વિશ્વની સૌથી મોટી સંસ્થા છે. અત્યારસુધીમાં સંસ્થા દ્વારા ૧૭ લાખથી વધુ દિવ્યાંગોને નવજીવન બક્ષી તેઓને પુનઃસ્થાપિત કરાયા છે. સંસ્થાએ ભારત બહાર ૨૯ દેશોમાં ૬૬થી વધુ કેમ્પોનું આયોજન કરી વિશ્વભરમાં હજારો દિવ્યાંગોનું પુનઃસ્થાપન કરાયું છે. સંસ્થા દ્વારા જયપુર ફુટ ઉપરાંત અપંગો, પોલિયોગ્રસ્ત લોકોને કેલિપર્, વ્હીલચેર્સ ટ્રાઇસીકલ્સ, હીયરીંગ   કીટ, ક્રચીસ વગેરે જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક કોઇપણ પ્રકારના જાતિ, લિંગ, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના આપવામાં આવે છે. સંસ્થા સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતેના મૂળ સેન્ટર ખાતે રાજયના ૧૫ હજારથી વધુ દિવ્યાંગ ભાઇ-બહેનોને જયપુર ફુટની સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ બનાવાઇ રહી છે. જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રને આજની ઉજવણીમાં દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે ખાસ હાજરી આપી અદ્ભુત પરફોર્મન્સ રજૂ કર્યું તે, પ્રેરણારૂપ ઘટના છે.

(10:08 pm IST)