Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

અમદાવાદમાં દશામાં સહિત ભગવાનની મૂર્તિઓના વિસર્જન માટે કુંડ નહીં બનાવાય

મ્યુ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટની જાહેરાત

અમદાવાદઃ શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારો જેવા કે દશામાં સહિતની ભગવાનની મૂર્તિઓનું વિસર્જન માટે કુંડ બનાવવાની મંજુરી મળી નથી. જેથી કુંડ બનાવવામાં નહિ આવે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિમાં પવિત્ર શ્રાવણ માસના વિવિધ તહેવારો અંગે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે.

સીવીક સેન્ટરો તેમ જ અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીની આર્થિક સ્થિતિ અંગેનું ફોર્મ ભરાવવામાં આવતું હોવાના મુદ્દે મ્યુનિ.ની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ચેરમેન અમુલ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, આર્થિક સક્ષમ ના હોય અને સારવારની જરૂર હોય તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે મોનીટરિંગ કરવામાં આવે છે. બીજા દર્દીઓને એસ.વી.પી. તથા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે જ છે. પૈસા ખર્ચી શકે તેવા દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકે છે. જરૂર પડયે ભવિષ્યમાં ફેરફાર કરી શકાશે

 

તેમણે કહ્યું કે આજે બેઠકમાં મૂકવામાં આવેલા 11 કામો મંજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી નવેમ્બર 2020માં યોજાનારી મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીમાં સીમાંકનની સાથે મતદાર યાદી કોમ્પ્યુટરાઇઝ કરી પ્રિન્ટીંગ કરાવવા સહિતની કામગીરી કરવાની સત્તા મ્યુનિ. કમિશ્નરને આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્ષ રિબેટ યોજના અગાઉ નાણાં ભરનારા કરદાતાઓને આગામી વર્ષના બિલમાં રિબેટ યોજના જેટલાં નાણાં જમા આપવા અંગે નીતિ તૈયાર કરીને કોમ્પ્યુટર પ્રોગામિંગ કરીને વ્યવસ્થા કરવામાં આવશે.

ઉપરાંત કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ નવી નગરપાલિકા તથા ગ્રામ પંચાયત વિસ્તારની પ્રાથમિક જરૂરિયાત અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાં કરી કોર્પોરેશનના અન્ય વોર્ડમાં જે પ્રકારે સુવિધા છે જેવી કે પાણી, ડ્રેનેજ લાઇન, સફાઇ, વગેરે માટે તાકીદે આયોજન હાથ ધરાશે. બોપલ નગરપાલિકા વિસ્તારની ડમ્પસાઇટના નિકાલ માટે પીરાણામાં જે પ્રકારે કામગીરી થાય છે તે જ રીતે અન્ય કામગીરી પણ તાકીદના સ્તરે હાથ ધરાશે.

(9:13 pm IST)