Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બોગસ નોટો બજારમાં ફરતી કરનાર રાજસ્થાની ઝડપાયો

પોલીસે બાતમીના આધારે રંગેહાથ ઝડપી લીધોઃ કમીશન મેળવવાની લાલચમાં બનાવટી નોટોમાં બજારમાં ફરતી કરતો હતો : પોલીસની નેટવર્કના સંદર્ભે ઉંડી તપાસ

અમદાવાદ,તા. ૨૩: શહેરમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાના પ્રકરણમાં સંડોવાયેલા રાજસ્થાની યુવકની રખિયાલ પોલીસે રૂ.૧૬ હજારની કિંમતની બનાવટી ચલણી નોટ સાથે ધરપકડ કરતાં ચકચાર મચી ગઇ હતી. યુવકને તેના સગાભાઇએ બનાવટી નોટ ફરતી કરવા માટેનું કામ સોંપ્યુ હતું, જેમાં ૧૦૦ રૂપિયા કમિશન મળતું હતું. પોલીસે આરોપી યુવકની ધરપકડ બાદ હવે બનાવટી ચલણી નોટોના સમગ્ર નેટવર્ક સંદર્ભે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.  બજારમાં બનાવટી ચલણી નોટ ફરતી કરવાનું મોટાપાયે ષડ્યંત્ર હોય તેવી શક્યતા પોલીસે વ્યકત કરી છે. આ અંગેની વિગત એવી છે કે, રખિયાલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે.જે. ગઢવીને બાતમી મળી હતી કે એક યુવક બનાવટી ચલણી નોટનો જથ્થો લઇને રખિયાલ જી કોલોની ત્રણ રસ્તા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે આરોપી યુવકની અટકાયત કરીને તેની જડતી લીધી હતી. યુવક પાસેથી બે હજારના દરની કુલ છ ચલણી નોટ મળી હતી જ્યારે પ૦૦ના દરની આઠ ચલણી નોટ મળી હતી. પોલીસ તેની અટકાયત કરીને રખિયાલ પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા, જ્યાં તેની પૂછપરછ શરૂ કરી હતી. યુવકનું નામ ભેરારામ મેઘવાલ છે અને તે મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલ ગોમતીપુર વિસ્તારમાં આવેલ કાઠાનોવાડામાં રહેતો હોવાનું માલૂમ પડયું હતું. ભેરારામની પૂછપરછ કરતા તેના મોટાભાઇ મીઠારામ મેઘવાલે બનાવટી ચલણી નોટ બજારમાં ફરતી કરવા માટે આપી હતી. ભેરારામે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે બે હજારની બનાવટી ચલણી નોટ ૭૦૦ રૂપિયામાં બજારમાં ફરતી કરવાની હતી જેમાં તેને ૧૦૦ રૂપિયા કમિશન મળતું હતું જ્યારે પ૦૦ બનાવટી ચલણી નોટ ર૦૦ રૂપિયામાં બજારમાં ફરતી કરવાની હતી જેમાં પણ ૧૦૦ રૂપિયા કમિશન મળતું હતું. રખિયાલ પોલીસે રૂ.૧૬ હજારની કિંમતની બનાવટી ચલણી નોટ સાથે ભેરારામની ધરપકડ કરીને તેના મોટાભાઇ મીઠારામને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસને શંકા છે કે ભેરારામ અને મીઠારામ તો એક નાની માછલીઓ છે. અર્થતંત્રને નુકસાન પહોંચાડીને બજારમાં ડુપ્લીકેટ નોટ ફરતી કરવા માટે કોઇ મોટી ગેંગ કામ કરી રહી છે. મીઠારામની ધરપકડ બાદ મોટી કડી મળે તેવી શક્યતા છે. બે હજારની તમામ નોટમાં એક જ સીરીઝનો નંબર છે જ્યારે પ૦૦ની નોટમાં પણ એક જ સીરીઝનો નંબર છે તમામ નોટને એફએસએલમાં ચકાસણી માટે મોકલી આવી હતી જ્યા એફએસએલના અધિકારીઓએ રિપોર્ટ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. જો કે, બનાવટી ચલણી નોટોના સમગ્ર રેકેટ અંગે હવે પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે.

(10:30 pm IST)