Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગુજરાત : વરસાદમાં બ્રેકની સ્થિતિ, ચેતવણી યથાવત છે

બનાસકાંઠા, પંચમહાલ, તાપીમાં ભારે વરસાદ થશેઃ અમદાવાદમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની વકી

અમદાવાદ, તા.૨૩: ગુજરાત રિઝનના કેટલાક ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદી ઝાપટા જારી રહ્યા છે. જો કે, મોટાભાગે વરસાદમાં વિરામની સ્થિતિ રહી છે. રાજસ્થાનના મધ્ય ભાગમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેથી હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદમાં વિરામની સ્થિતિ રહી છે. જો કે, હળવા ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરાઈ છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૦ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી રહ્યું હતું. હાલમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઇ ચુક્યો છે જેથી પહેલાથી જ બચાવ ટીમો સક્રિય છે. બીજી બાજુ પુરગ્રસ્ત વિસ્તારો માટે રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસો પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે અને કોઇપણ પરિસ્થિતને પહોંચી વળવા અને રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશો જારી કરાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. આ જ પ્રકારે ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં પૂર પ્રકોપ સર્જે એવો વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગના કહેવા મુજબ ડાંગ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગે  આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો, વલસાડ અને નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે. ગુજરાતમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણીના લીધે સંબંધિત વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. તંત્ર પણ સાવધાન છે.

(10:25 pm IST)