Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગૌરી વ્રતની શરૂઆત : ૨૮ જુલાઈએ જાગરણ ઉજવાશે

જયા-પાર્વતીના વ્રતની ૨૫મીથી શરૂઆત થશેઃ સવારથી માસુમ બાળકીઓ ગૌરીની પૂજા કરતી દેખાઈ

અમદાવાદ,તા. ૨૩: તહેવારોની સિઝનની વિધિવતરીતે શરૂઆત થઇ ચુકી છે. આજથી ગૌરીવ્રતની વિધિવતરીતે શરૂઆત થયા બાદ માસુમ બાળકીઓ સવારથી ગૌરીવ્રતના ભાગરુપે પૂજા-અર્ચના કરતી નજરે પડી હતી. બાગ-બગીચામાં બાળકીઓ પૂજા કરતી નજરે પડી હતી. બીજી બાજુ જયા પાર્વતી વ્રતની ૨૫મી જુલાઈથી શરૂઆત થવા જઈ રહી છે જે ૨૯મી જુલાઈના દિવસે પૂર્ણ થશે. માસુમ બાળકીઓની સાથે સાથે મોટી વયની મહિલાઓ માટે જયા-પાર્વતી વ્રત રહેશે. એકબાજુ ગૌરીવ્રતમાં બાળકીઓ જ્વારાની પૂજાની અર્ચના કરે છે જ્યારે બીજી બાજુ જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ અને મહિલાઓ ભગવાન શિવની પુજા-અર્ચના કરીને સૌભાગ્ય અને સુખ શાંતિની પ્રાર્થના કરે છે. બંને વ્રતમાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. બીજી બાજુ ગૌરીવ્રતની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ભગવાન માટે શયન થવાની સાથે ચાર મહિના સુધી લગ્ન પ્રસંગો અને શુભકાર્યો હવે થઇ શકશે નહીં. હવે દિવાળી બાદ દેવઉઠી એકાદશીથી જ ફરીથી શુભ વિવાહ પ્રસંગ થઇ શકશે. જાણકાર જ્યોતિષિઓ અને નિષ્ણાતોના કહેવા મુજબ સુકલપક્ષની અકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ શયન માટે જાય છે અને ચાર મહિના બાદ એટલે કે કાર્તિક અકાદશીના દિવસે ઉઠે છે જેથી આને દેવશયની અકાદશી કહેવામાં આવે છે. આની સાથે જ ચારમહિનાના ગાળા સુધી લગ્ન અને શુભ પ્રસંગો થઇ શકતા નથી. જો કે, આ ચાર મહિનાના ગાળા દરમિયાન દાન, પુણ્ય અને ધાર્મિક કાર્યક્રમોની બોલબાલા રહે છે. જૈન ચોમાસી ચૌદશ ૨૬મી જુલાઈના દિવસે છે. આની સાથે જ જૈન સમુદાય માટે ચતુર્થમાસની શરૂઆત શે જે ચાર મહિના સુધી ચાલશે. ગૌરીવ્રતને લઇને માસુમ બાળકીઓ રવિવારના દિવસે જ ખરીદી કરતી નજરે પડી હતી. આના ભાગરુપે સારા પતિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે પૂજા કરવામાં આવે છે.

(10:24 pm IST)