Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પેન ઈન્ડિયાએ શરૂ કરી મ્યુઝિક ચેનલ 'wow': અવિરત મનોરંજન પીરસશે

દર ગુરૂવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે 'ગુરૂવારે ગુજરાતી' હેઠળ સુપરડુપર ગુજરાતી હીટ ફિલ્મ રજુ થશેઃ આવતા ગુરૂવારે ''ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ'' દર્શાવાશે

અમદાવાદઃ મનોરંજનના ક્ષેત્રમાં પેન ઇન્ડિયા લિ. એક પછી એક નવા ક્ષેત્રમાં પ્રવેશ કરતુ જ જાય છે. હિંદી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, દક્ષિણ ભારતીય ફિલ્મોના નિર્માણ પછી હવે તેમણે સેટેલાઈટ ચેનલમાં પણ ઝુકાવ્યું છે.

ઘરે બેઠા મનોરંજન મેળવવા માટે લોકો ટીવીના રિમોટ સાથે બેસીને ચેનલો બદલ્યા જ કરતાં હોય છે. તેવા સમયે લોકોને એક જ ચેનલ સાથે બાંધી રાખવા થોડા મુશ્કેલ છે. ચેનલની ગુણવત્તા જરા બગડી કે દર્શક બીજી ચેનલ પર ચાલ્યો જાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખીને જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા) એ નવી ચેનલનું નિર્માણ કર્યુ છે, જે તેના દર્શકોને જકડી રાખવા સક્ષમ છે.

ચેનલોની હરિફાઈ ખુબ જ તગડી છે. તેમાંય માત્ર ને માત્ર બોલીવૂડના ગીતો રજુ કરનારી અનેક ચેનલો છે, પણ તેમાં ગીતો ઓછા કે અડધા જ આવતા હોય છે. ત્યારે ‘wow’ - 'દિલ બોલે wow’ નામની સંગીતની ચેનલ શરૂ કરવામાં આવી છે.

ગડા ફેમિલી ગુજરાતી છે અને તેમણે ગુજરાતીઓ ને આકર્ષી શકાય એવું  મજબુત પગલું ભર્યું છે. wow ચેનલ પર દર ગુરૂવારે ગુજરાતી ફિલ્મોનો સ્લોટ રાખવામાં આવ્યો છે. 'ગુરૂવારે ગુજરાતી' નામના આ સ્લોટ પર દર ગુરૂવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે ગુજરાતી હીટ ફિલ્મો રજુ કરવામાં આવશે અને તેની શરૂઆત 'સુપરડુપર હીટ' ફિલ્મ 'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ'થી કરવામાં આવશે.

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં રેકોર્ડ કમાણી કરનાર 'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ' તા.૨૬ ના  ગુરૂવારે રાત્રે ૧૦:૩૦વાગ્યે ‘wow’ ચેનલ પર રજુ કરવામાં આવશે  આ ઉપરાંત દરરોજ સવારે ૫:૩૦ થી ૬:૧૫ સુધી બી. આર. ચોપરા દ્વારા નિર્મિત મહાભારત રજુ કરવામાં આવે છે.

(3:56 pm IST)